માંડવી

માંગરોળ ગેંગરેપ બાદ માંડવીમાં દુષ્કર્મની ફરિયાદ

સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં બનેલી ગેંગરેપની ઘટનાના ગણતરીની કલાકોમાં જ સુરત જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. વિધર્મી ઈસમે સગીરાને વારંવાર પીંખી ગર્ભવતી બનાવી દીધી હતી. સગીરાને પેટમાં દુખાવો ઊપડતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં થોડીક જ ક્ષણોમાં તેને કસુવાવડ થઈ ગઈ હતી.

ગણતરીના કલાકોમાં જ વધુ એક દુષ્કર્મની ફરિયાદ

બહેન-દીકરીઓ સલામત હોવાના દાવાઓ વચ્ચે એક અહેવાલ પ્રમાણે રાજ્યમાં રોજ સરેરાશ 6 જેટલાં દુષ્કર્મ થાય છે. આવા બનાવો સાંભળી સભ્ય સમાજનું માથું શરમથી ઝૂકી જાય છે. એમાં પણ ખાસ કરીને આ વર્ષે નવરાત્રિ જેવા પવિત્ર તહેવારમાં સુરત અને વડોદરા જેવા મોટા જિલ્લામાં ગેંગરેપ જેવી ગંભીર ઘટના સામે આવતાં આખું રાજ્ય હચમચી ગયું છે. દીકરીઓ આજે ઘરની બહાર નીકળતાં ડરી રહી છે. સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના બોરસરા ગામે એક 17 વર્ષની સગીરા સાથે બનેલી ગેંગરેપની ઘટનાની હજુ તપાસ ચાલે છે. પોલીસે ત્રણ પૈકી બે ઝડપ્યા છે. હજુ એક ફરાર છે. આ બધા વચ્ચે ઘટનાના ગણતરીની કલાકોમાં જ વધુ એક દુષ્કર્મની ફરિયાદ સુરત જિલ્લામાં પોલીસ ચોપડે નોંધાઈ છે.

માંડવીમાં વિધર્મી ઈસમે સગીરાને ગર્ભવતી બનાવી

માંડવીના એક ગામની શ્રમજીવી પરિવારની 14 વર્ષની એક દીકરીને લલચાવીફોસલાવી રિક્ષામાં બેસાડી વર્ષ 2023ના ઓગસ્ટ મહિનાથી 2024ના માર્ચ મહિના સુધીના સમય ગાળામાં અવારનવાર સૂમસામ જગ્યા પર જઈને એક ઈસમે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. એને લઇને સગીરા ગર્ભવતી બની ગઈ હતી. હાલ સગીરાને અચાનક પેટમાં દુખાવો ઊપડતાં પરિવાર તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ ગયો હતો, જ્યાં સગીરાને થોડીક ક્ષણોમાં કસુવાવડ થઈ ગઈ હતી. આ બાબતે સગીરાને પૂછતાં તેણે માંગરોળ તાલુકાના ભાટકોલ ગામના અરબાજ સિરાજ પઠાણ નામના ઈસમે તેની સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યું હોવાનું જણાવ્યું હતું. એને લઇને માંડવી પોલીસે પોક્સો એક્ટ અને એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો નોંધી આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાં હતાં.

Related Articles

Back to top button