બારડોલી

બારડોલી તાલુકાના તેન ગામના સરપંચ અને કોન્ટ્રાકટરો સાથે મળી કામોનું ડુપ્લિકેશન કરાયાનો આક્ષેપ

વાસ્મો અને સુરત બલ્ક યોજના કામોમાં ગેરરીતિની રાવ

બારડોલી તાલુકાના તેન ગામના સરપંચ અને કોન્ટ્રાકટરો દ્વારા ખોટું રોજકામ લખી 15મા નાણાંપંચની ગ્રાન્ટ તેમજ સરકારની જિલ્લા જળ અને સ્વચ્છતા યુનિટ વાસ્મો દ્વારા પાણીની ટાંકી તથા સુરત બલ્ક યોજનાની ગ્રાન્ટની ઉચાપત કરી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. તેમજ સરપંચને સત્તા પરથી બરખાસ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલી તાલુકાના તેન ગામના સરપંચ રીનાબેન ચૌધરી દ્વારા વૃંદાવન સોસાયટીના સીઓપી તથા ચાણક્ય પૂરીના સીઓપી અને પાર્કિંગમાં રહીશોની જાણ બહાર ખોટું રોજકામ લખી સહી કરી છે. જેમાં પહેલી સહી સરપંચ રીનાબેન ચૌધરી, બીજી સહી સાઇટ એંજિનિયર કૃણાલ પટેલ અને મિલાપ રાઠોડ તેમજ ચોથી સહી તેન ગ્રામ પંચાયતના સભ્ય અને સરપંચના પતિ દેવેન્દ્ર ચૌધરીની છે. આ ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આયોજનબદ્ધ રીતે રોજકામના ખોટા દસ્તાવેજી પુરાવા ઊભા કરી પંચાયતના સિક્કા મારી વાસ્મો સુરતમાંથી પાણીની ટાંકી, સુરત બલ્ક પ્લાન્ટ યોજનામાંથી પાણીની લાઇન તથા 15માં નાણાં પંચમાં આ કામનું ડુપ્લિકેશન કરી સરકારી ગ્રાન્ટની ઉચાપત કરવામાં આવી છે. આથી તેમને સત્તાના દુરુપયોગ કરવા બદલ કલમ 57 હેઠળ બરખાસ્ત કરવા તથા કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. આ ફરિયાદ નીતાબેન યુ. પટેલ દ્વારા કરવામાં આવી છે. જેને લઈને ગામનું આંતરિક રાજકારણ ગરમાય ગયું છે.

Related Articles

Back to top button