ડાંગ

ડાંગ જિલ્લા પંચાયતની કડમાળ સીટની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનાં ઉમેદવારે ફોર્મ ભર્યું

ભાજપે ઉમેદવાર જાહેર કરતા રસાકસીના એંધાણ

ડાંગ જિલ્લા પંચાયતની કડમાળ સીટની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનાં ઉમેદવારે ફોર્મ ભર્યું તો ભાજપે ઉમેદવાર જાહેર કરતા રસાકસી સર્જાશે. સમસ્ત રાજ્યમાં નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા તથા તાલુકાની સામાન્ય પેટા ચૂંટણી જાહેર થઇ છે ત્યારે ડાંગ જિલ્લા પંચાયતમાં 18 બેઠકની સંખ્યાબળ ધરાવે છે, જેમાંથી 17 સદસ્યો ભાજપના ચૂંટાયા હતા.જ્યારે 1 સદસ્ય કોગ્રેસનો ચૂંટાયો હતો.જેના પગલે જિલ્લા પંચાયતની બાગડોર ભાજપાનાં હાથમાં જોવા મળે છે. થોડા સમય પહેલા 10-કડમાળ બેઠકનાં ભાજપાનાં જિલ્લા સદસ્ય લક્ષ્મીબેન મોહનભાઈ ચૌધરીનું આકસ્મિક નિધન થતા આ બેઠક ખાલી પડી હતી.

જેથી આ સીટની પેટા ચૂંટણીની જાહેરાત કરાઇ હતી. કડમાળ આદિજાતિ સ્ત્રી બેઠક માટે કોંગ્રેસ દ્વારા એલિશાબેન ગુલાબભાઈ ચૌધરીને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. તેમણે સુબીર મામલતદાર કચેરીએ ઉમેદવારી ફોર્મ પણ ભર્યું હતું. આ સમયે કોંગ્રેસનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ ભાજપે લતાબેન નાનુભાઈ લોત્યાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. અહીં મહિલાઓ વચ્ચે ચૂંટણીમાં જંગ જામશે. આવનાર દિવસોમાં ડાંગ જિલ્લાની કડમાળ સ્ત્રી આદિજાતિ બેઠક પર કયો પક્ષ બાજી મારશે તે સમય જ બતાવશે.

Related Articles

Back to top button