
માંડવી તાલુકા પંચાયતમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષના નેતાની જગ્યા ખાલી પડી હતી. આ ખાલી જગ્યાને ભરવા માટે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનહરભાઈ પટેલે માંડવી તાલુકા પંચાયતની ગોડધા બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસ પક્ષના સભ્ય નાથુભાઈ કનૈયાભાઈ ચૌધરીની નિમણૂક કરી છે.
નાથુભાઈ ચૌધરી એ પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં હંમેશા અગ્રેસર રહ્યા છે અને તેમનો મિલનસાર સ્વભાવ તેમને પક્ષના સભ્યો અને સમર્થકોમાં ખૂબ જ લોકપ્રિય બનાવે છે. તેમની આ નિમણૂકને તેમના સમર્થકોએ ખૂબ જ વધાવી લીધી છે.
કોંગ્રેસ પક્ષના અગ્રણીઓએ પણ આ નિમણૂકને આવકારીને નાથુભાઈ ચૌધરીને અભિનંદન પાઠવ્યા છે. તેમના નેતૃત્વ હેઠળ માંડવી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષની કાર્યપદ્ધતિ વધુ સક્રિય અને પ્રભાવશાળી બનશે એવી આશા પક્ષના કાર્યકર્તાઓ અને સમર્થકો વ્યક્ત કરી રહ્યા છે.
નાથુભાઈ ચૌધરીએ પોતાની નિમણૂક પછી પક્ષના સભ્યો અને સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો છે અને તાલુકાના વિકાસ માટે સહકાર અને સમર્પણથી કામ કરવાનું વચન આપ્યું છે.




