ઉમરપાડામાં શૌચાલયના કામમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરાવવા મામલતદાર સમક્ષ રજૂઆત કરાઈ

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સંગઠનના આગેવાનોએ સુરત જિલ્લા કલેક્ટરને સંબોધીને લખેલું એક આવેદનપત્ર ઉમરપાડા મામલતદારને સુપ્રત કર્યું હતું. આવેદનમાં જણાવ્યું હતું કે, ઉમરપાડા તાલુકામાં શૌચાલય નિર્માણમાં ભ્રષ્ટાચાર થયાની ફરિયાદ થઇ હતી. જેમાં તપાસ કરતા જણાવ્યું હતું કે, SBM શાખામાં નોકરી કરતા કર્મચારી પોતે સખી મંડળો બનાવી રૂપિયા ઉસેટી રહ્યા છે તેવું વિદિત થતું હતું, પરંતુ આ વાત અર્ધસત્ય હોવાથી જેમાં તાલુકા અને જિલ્લા કક્ષાએથી જો અધિકારીઓનું પીઠબળ ના મળતું હોય તો આવી ઘટના બનવા જોગ નથી. આ ઘટનાની સંપૂર્ણ તપાસ મુખ્યમંત્રીના નેજા હેઠળ બનેલી ટીમ તપાસ સ્કીમ દ્વારા શૌચાલયના કામમાં ફેર ભ્રષ્ટાચારની તપાસ કરાવી જનતા સમક્ષ સત્યને બહાર લાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
આ ભ્રષ્ટાચારમાં સખી મંડળો દ્વારા કરવામાં આવતા કરાર પત્રને મંજૂરી કોણ આપે છે? મંજૂરી આપનાર અધિકારી સખી મંડળોના અસ્તિત્વથી ખરેખર અધિકારી શું અજાણ છે? અને કર્મચારી પોતે સખી મંડળ ધરાવે છે તે વાતથી શું અધિકારીઓ પણ પણ અજાણ હોય છે? શું આ પ્રકારના સખી મંડળો પોતે શૌચાલયની ગ્રાન્ટ માંગવા માટે સક્ષમ છે? તાલુકા વિકાસ અધિકારી અને બ્લોક કોર્ડીનેટર સિવાય શૌચાલયની ગ્રાન્ટ માંગણી અને તેનું વિભાજન કરવાની સત્તા કોઈ સામાન્ય કર્મચારીની હોતી નથી. તો તેઓની પરવાનગી વગર ગ્રાન્ટની માંગણી અને વિભાજન કોણે કર્યું?.
આવી મંજૂર થયેલી ગ્રાન્ટમાં જવાબદાર વ્યક્તિ તરીકે તાલુકા વિકાસ અધિકારી, બ્લોક કોર્ડીનેટર, એકાઉન્ટન્ટ, ઓડિટર, નિયામક વગેરે જેવા ઉચ્ચ પદો પર બેઠેલી વ્યક્તિઓ પણ ભ્રષ્ટાચારની આવી રમતમાં ભાગીદાર હોય શકે તેઓ અમારો આરોપ છે. જેથી આ બાબતે તપાસ સમિતિ દ્વારા સંપૂર્ણ રીતે તપાસ કરવામાં આવે અને જવાબદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય તેવી કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી કરવામાં આવી હતી.




