સાગબારાના પાંચપિપરી ગામની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકની નિમણુંકને લઈને વિવાદ ઊભો થયો

સાગબારા તાલુકાની પાંચપિપરી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકની નિમણૂકને લઈને વિવાદ ઊભો થયો છે. શાળામાં આંતરિક બદલીથી આવેલા નવા મુખ્ય શિક્ષક વિણાબેન રૂળજીભાઈ ગામીત સામે ગ્રામજનો અને શાળા સંચાલન સમિતિએ વિરોધ નોંધાવ્યો છે.
ગ્રામજનોની માંગણી છે કે, વિણાબેન પાસેથી ચાર્જ પરત લઈને અગાઉના મુખ્ય શિક્ષક બ્રિજેશભાઈ વસાવાને ફરી નિમણુંક આપવામાં આવે. ગામના આગેવાન ઉષાબેન વસાવાના જણાવ્યા મુજબ, બ્રિજેશભાઈના કાર્યકાળ દરમિયાન શાળાનું શૈક્ષણિક સ્તર ઉત્તમ હતું અને વિદ્યાર્થીઓની કામગીરીમાં નોંધપાત્ર સુધારો થયો હતો.
વિવાદનું મૂળ એ છે કે વિણાબેન, અગાઉના સસ્પેન્ડ થયેલા શિક્ષક ઉત્તમભાઈ વસાવાની ભલામણથી નિમણુંક પામ્યા હોવાની શંકા છે. ઉત્તમભાઈના કાર્યકાળમાં શાળાનું શિક્ષણ કથળ્યું હતું અને તેમનો વ્યવહાર ગ્રામજનો સાથે યોગ્ય ન હતો. SMCની બેઠકમાં હિસાબ ન આપવો, શાળાના રેકોર્ડ ઘરે રાખવા જેવી ફરિયાદો હતી.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવેએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. ગ્રામજનો અને SMC સભ્યોએ તાલુકા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી છે અને શાળાના શૈક્ષણિક હિતમાં યોગ્ય નિર્ણય લેવાની માંગણી કરી છે.





