આહવાના ગોંડલવિહિર ગામે સિમેન્ટ કોંક્રીટનો રસ્તો બનાવવાની તજવીજથી વિવાદ

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ગોંડલવિહિર ગામે સી.સી.રસ્તો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. અહીં વરસતા વરસાદનાં દિવસો દરમિયાન રસ્તા બનાવવાનું કામ કરાઇ રહ્યું છે તે કેટલા અંશે યોગ્ય કહી શકાય તે પણ પ્રશ્ન બન્યો છે. ડાંગ જિલ્લાનાં ગોંડલવિહિર ગામે સી.સી. રસ્તો બનાવવા અંદાજે 4.50 લાખની ગ્રાન્ટ ફાળવાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સી.સી. રસ્તો બનાવવાનું કામ કરી દેવાયું છે. આ કામમાં હલકી કક્ષાનું સિમેન્ટ તથા કાદવ-કિચડવાળી રેતીનો ઉપયોગ કરાઇ રહ્યો છે. અહીં હલકી કક્ષાના મટિરિયલનો ઉપયોગ કરાઇ રહ્યો છે ત્યારે આ રસ્તો લાંબાગાળે ટકી શકે તેમ નથી.
હાલમાં ચોમાસાના દિવસ હોવાથી ગમે ત્યારે વરસાદ વરસતો હોય છે તેવામાં આ રસ્તાનું કામ ચાલુ કરી દેવાયું છે. ચાલુ વરસાદે આ કામગીરી કરવી એ કેટલા અંશે યોગ્ય કહી શકાય ? કારણકે જો ચાલુ વરસાદે આ પ્રકારની કામગીરી કરવામાં આવે તો તેનું ધોવાણ થઈ જતું હોય છે અને કામગીરીનો કોઈ અર્થ રહેતો નથી. કોન્ટ્રાક્ટર દ્વારા ચોમાસાના દિવસોમાં કામગીરી શરૂ કરી દેવાતા સ્થાનિકો આશ્ચર્ય અનુભવી રહ્યા છે.
ગેરરીતિ જણાશે તો કડક પગલાં ભરાશે
હાલમાં જ હું એસોને સ્થળ પર મોકલી તપાસ કરાવું છું. જો ગેરરીતી જણાશે તો કડક પગલા ભરાશે.> સુહાસ ગંવાદે, ટીડીઓ, આહવા ગ્રા.પં.
અહીં પ્રશ્ન એ થાય છે કે કામગીરી કરાઇ રહી છે ત્યારે અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરાઇ છે કે નહીં ? જો સ્થળ તપાસ કરી છે તો કયા પ્રકારની સ્થળ તપાસ થઈ કે જેમાં અધિકારીઓને નક્કર વેઠ દેખાઈ જ રહી નતી ? વેઠ ઉતારી કરીને રસ્તાના કામમાં ગેરરીતિ આચરીને સરકારની તિજોરીને ચૂનો ચોપડાઇ રહ્યો હોય તેવું જણાઇ રહ્યું છે. આ સમગ્ર મામલામાં અધિકારીઓની કામગીરી પણ શંકા ઉપજાવે તેવી જોવા મળી રહી છે ત્યારે ઉપરી અધિકારી દ્વારા સ્થળ તપાસ કરી જવાબદાર તલાટીકમ મંત્રી સામે યોગ્ય પગલા લેવામાં આવે તે જરૂરી બન્યું છે.




