ઉમરપાડામાં સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય બનાવવામાં થયેલો ભ્રષ્ટાચાર કૌભાંડ બાબતે યોગ્ય તપાસ ન થતાં મુખ્યમંત્રીને ફરિયાદ

ઉમરપાડા તાલુકામાં શૌચાલય યોજનામાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ નહીં થતા કોંગ્રેસના આગેવાનોએ રાજ્યના મુખ્યમંત્રીને ફરિયાદ કરી ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા મુખ્ય અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે.
ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગણપતભાઇ વસાવા અને આગેવાનોએ રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને લખેલું એક આવેદનપત્ર ઉંમરપાડા મામલતદારને સુપ્રત કર્યુ હતું અને જણાવ્યું કે, ઉમરપાડા તાલુકામાં શૌચાલય યોજના અંતર્ગત SBM શાખામાં થયેલા કથિત ભ્રષ્ટાચારની તપાસ અંગે જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરને તારીખ 27/08/2024ના રોજ એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં કેટલાક સવાલો પૂછવામાં આવ્યા હતા અને ઉચ્ચ પદો પર બિરાજમાન અધિકારીઓ વિરુદ્ધ એક તપાસ સમિતિની રચના કરવા માટે માગ કરવામાં આવી હતી.
તાલુકાના નાના કર્મચારીઓને જવાબદાર ઠેરવી બદલીઓ કરી દેવામાં આવી છે, પરંતુ મુખ્ય જવાબદાર કોણ, ભ્રષ્ટાચાર માટે તેની તપાસ હકીકતમાં થવી જોઈએ. જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર દ્વારા આ બાબત અંગે કોઈ ખુલાસો આજદિન સુધી કરવામાં આવ્યો નથી અને જાણે ખો-ખોની રમત રમતા હોય એ પ્રમાણે ખો આપીને ઉચિત જવાબ અને કાર્યવાહી ટાળવામાં આવી રહી છે.
આ યોજનામાં આખરે આદિવાસી સમાજના લાભાર્થીઓને નુકસાન થયું છે. તેની તપાસ કરવા માટે આદિવાસી સમાજના આગેવાનો વારંવાર માંગણી કરી રહ્યા છે, પરંતુ ન્યાય મળતો નથી. આજે આદિવાસી સમાજ દૈન્ય હાલતમાં છે. સમાજને બાબા સાહેબ આંબેડકર દ્વારા મળેલા સંવિધાનના હક્ક અને અધિકારો મળતા નથી. ત્યારે આ યોજનામાં સંડોવાયેલા સ્થાનિક અધિકારીથી લઈ નિયામક સુધીના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે એવી મુખ્યમંત્રી પાસે આગેવાનો આશા રાખી રહ્યા છે.




