100 કિલોવોટ ક્ષમતાનો સુરતમાં બનશે દેશનું પ્રથમ ગ્રીન રિચાર્જ સ્ટેશન
સોલાર એનર્જીની વીજળીથી ઈ-બસો રિચાર્જ થશે

દેશનો સૌથી લાંબો BRTS રોડ હવે 100% ઇલેક્ટ્રિક બસો માટે અનુકૂળ બન્યો છે. હવે આ રૂટની ઇલેક્ટ્રિક BRTS બસોની બેટરી જેની વેલિડિટી પૂર્ણ થઈ ગઈ હોય તેને પણ સુરત મહાનગરપાલિકા રિચાર્જ કરશે. સુરત મનપા હવે સોલાર એનર્જીની વીજળીથી ઇ-બસો રિચાર્જ કરશે. આ માટે જર્મનીની કંપની સાથે MoU પણ કરવામાં આવ્યા છે. દેશનું પ્રથમ ગ્રીન રિચાર્જ સ્ટેશન હવે સુરતમાં બનાવવામાં આવશે.
સોલાર એનર્જીની ઉત્પાદિત વીજળી સીધી સ્ટોર કરી શકાય નહીં, તેથી સુરત મહાનગરપાલિકા દ્વારા જર્મનીની એક સંસ્થા સાથે MoU કરીને દેશમાં પ્રથમ ગ્રીન રિચાર્જ સ્ટેશન બનાવવાની યોજના છે. આ સ્ટેશનમાં સોલાર એનર્જીથી BRTS બસોની વેલિડિટી પૂર્ણ થઇ ગયેલી બેટરીઓમાં એનર્જી સ્ટોર કરવામાં આવશે. એટલે કે, સેકન્ડ લાઈફ બેટરી સાથેની સિસ્ટમ ઇલેક્ટ્રિક બસ ડેપો ખાતે શરૂ કરવામાં આવશે.
લાઈટ એન્ડ એનર્જી ઇફિશિયન્સી સેલ દ્વારા અલથાણા ઇલેક્ટ્રિક બસ ડેપોમાં 100 કિલોવોટ ક્ષમતાનો રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે. આ પ્લાન્ટ દ્વારા સેકન્ડ લાઈફ બેટરી ચાર્જ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ, જર્મન ટેકનિકલ સહયોગ સંસ્થા (GIZ) દ્વારા વિત્તપોષિત રહેશે અને તેને પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલમાં મૂકવામાં આવશે. ભારત સરકારના ઉદ્યોગ મંત્રાલયે સુરતને સસ્ટેનેબલ અને ક્લાઈમેટ-ફ્રેન્ડલી ઇ-મોબિલિટી ક્ષેત્રે પાયલોટ સિટી તરીકે પસંદ કરી છે.
આ અંતર્ગત સુરતમાં ઇલેક્ટ્રિક બસના ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબુત બનાવવા માટે વિવિધ યોજનાઓ લાગુ કરવામાં આવી રહી છે. આ યોજનાના ભાગરૂપે, GIZ પોતાના 1.50 કરોડનો ખર્ચ અલથાણ ઇલેક્ટ્રિક બસ ડેપોની છત પર 100 કિલોવોટ ક્ષમતાના સોલાર ફોટોવોલ્ટેઇક (PV) પેનલ, ઇન્વર્ટર અને સેકેન્ડ લાઈફ બેટરીની સ્થાપના કરાશે. GIZ આ પ્રોજેક્ટને 2026 સુધીમાં પોતાના ખર્ચે પૂર્ણ કરશે. ત્યાર બાદ સુરત મહાનગરપાલિકા તેનું સંચાલન અને જાળવણી કરશે. આ બેટરી ચાર્જિંગ સ્ટોરેજ તરીકે કામ કરશે જેના દ્વારા રાત્રે પણ ઇલેક્ટ્રિક બસોને ચાર્જ કરી શકાશે.
- સોલાર પેનલની 25 વર્ષની વોરંટી હશે.
- ઇન્વર્ટરની 5 વર્ષની વોરંટી હશે.
- 225 KWH ક્ષમતાવાળી સેકન્ડ-લાઇફ બેટરીની 8 વર્ષની વોરંટી હશે.
- આ પ્રોજેક્ટ દ્વારા દર વર્ષે અંદાજે 1 લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન થશે.
આ અંગે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના લાઈટ એન્ડ એનર્જી ઇફિશિયન્સી સેલ દ્વારા અલથાણ ઇલેક્ટ્રિક બસ ડેપો પર 100 કિલોવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ લગાવવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ સેકન્ડ લાઈફ બેટરી ચાર્જ કરવા માટે સોલાર એનર્જીનો ઉપયોગ કરવામાં આવશે.




