
રાજ્યના છેવાડે આવેલા સરહદી ડાંગ જિલ્લાની મુસાફર જનતાની સુવિધામા વધારો કરતા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા વધુ એક લાંબા અંતરની બસ સેવા શરૂ કરવામાં આવી. આહવા-વડોદરા-આહવા એક્સપ્રેસ બસ જે વઘઇ-વાંસદા-અનાવલ-બારડોલી-સુરત થઈ વડોદરા પહોંચશે. વલસાડ ડિવિઝન હેઠળના આહવા S.T ડેપોએ ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના મુસાફરો, વિદ્યાર્થીઓ, નોકરિયાતો સહિત પ્રવાસીઓને આહવાથી મધ્ય ગુજરાતના વડોદરા શહેર સુધી આવવા-જવાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે.
આ એક્સપ્રેસ બસ આહવાથી દરરોજ સવારે 7:45 કલાકે ઉપડી બપોરે 3:00 વાગ્યે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન પહોંચશે. જ્યારે વડોદરાથી સાંજે 4:45 કલાકે ઉપડી રાત્રે 12 વાગ્યે આહવા પરત ફરશે. 291 કિલોમીટરની સેવા પૂરી પાડતી આહવા-વડોદરા સુપર એક્સપ્રેસ બસનું ભાડુ રૂ.214/- નિયત કરવામા આવ્યું છે. ડાંગની મુસાફર જનતાને આ બસ સેવાનો વધુમા વધુ લાભ લેવા વલસાડના DC એન.એસ.પટેલ, તથા આહવાના ડેપો મેનેજર પરમારે અનુરોધ કર્યો.




