વઘઇ અને આહવા તાલુકાનાં અંતરિયાળ ગામોમાં BSNL ટાવરની અસુવિધાને કારણે ગરીબોનું અનાજ સસ્તા અનાજની દુકાનો સુધી સમયસર ન પહોંચતુ હોવાની ફરિયાદો ઉઠી

વઘઇ અને આહવા તાલુકાનાં અંતરિયાળ ગામોમાં બીએસએનલ ટાવરની અસુવિધાને કારણે ગરીબોનું અનાજ સસ્તા અનાજની દુકાનો સુધી સમયસર ન પહોંચતુ હોવાની ફરિયાદો ઉઠી છે. ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામો આજે પણ ડિજીટલ યુગના વિકાસ માટે ફાંફાં મારી રહ્યાં છે. ડાંગ જિલ્લાનાં અંતરિયાળ ગામોમાં બીએસએનએલની અસુવિધાથી ગરીબોને વલખા મારવાની નોબત ઉઠી છે.
ડાંગ જિલ્લામાં અનાજ ભરેલ ટ્રક વઘઇ તાલુકાનાં ઝાવડા ગામે સસ્તા અનાજની દુકાન પર જવા માટે નીકળે છે પરંતુ સરકાર દ્વારા જીપીએસ સિસ્ટમ લાગુ કરાઇ હોય જોકે બીએસએનએલ સાથે જોડાયેલી આ જીપીએસ સિસ્ટમ ચાલતી ન હોવાનાં કારણે સસ્તા અનાજની દુકાન સુધી અનાજ પણ પહોંચી શકતુ ન હોવાની ફરિયાદ ઉઠી છે, કારણ કે દુકાનની આસપાસ 100 મીટરના એરિયામાં કનેક્ટિવિટી આવતી નથી. ડાંગના વઘઇ તાલુકાની અંદાજે 80 % જેટલી સસ્તા અનાજની દુકાનોમાં અનાજનો જથ્થો હજુ સુધી પહોંચી શક્યો નથી.
મહિનાનાં આખર 11 દિવસ બાકી છે ત્યારે સંચાલકો ગરીબ પ્રજાને અનાજ કઈ રીતે આપે તે પ્રશ્ન બની ગયો છે. સરકાર દ્વારા ગરીબી રેખા હેઠળ જીવતા લોકો માટે સસ્તા અનાજની દુકાનની સેવા આપી છે. આ સસ્તા અનાજની દુકાન સુધી અનાજ પહોંચાડતી ટ્રકમાં જીપીએસ સિસ્ટમ સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યો છે ત્યારે ડાંગ જિલ્લામાં આ જીપીએસ સિસ્ટમ બીએસએનએલ સાથે જોડાયેલી છે પરંતુ ડાંગમાં મોટાભાગના ટાવર સમયસર ચાલતા નથી અથવા બંધ હાલતમાં પડી ઘણા દિવસો સુધી ખોટકાય જાય છે.
જેના પગલે સસ્તા અનાજની દુકાનની આસપાસ 100 મીટરના એરિયામાં કનેક્ટિવિટી આવતી નથી, જેના કારણે વઘઇ તાલુકાની અંદાજે 80% જેટલી સસ્તા અનાજની દુકાનોમાં અનાજનો જથ્થો હજુ સુધી પહોંચ્યો નથી. આ મહિનામાં વઘઇ અને આહવા તાલુકાનાં અંતરિયાળ ગામોમાં સસ્તા અનાજની દુકાન સંચાલકો દ્વારા વિતરણ કઈ રીતે કરવું તે પ્રશ્ન બની ગયો છે. મહિનાના 11 દિવસ બાકી છે અને તેમાંય જો સર્વર ધીમો ચાલે તો કનેક્ટિવિટી બંધ રહે કે વીજ પાવર બંધ રહે તો દુકાનદારો કાર્ડધારકોને કેવી રીતે અનાજ વિતરણ કરી શકે તે પ્રશ્ન સતાવી રહ્યો છે.
આ મામલે ડાંગ તથા જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિને પણ રજૂઆત કરી છે. જોકે હજુ સુધી તેનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ કરાયું નથી. આ સમસ્યાને લીધે અનાજ ભરેલી ગાડીઓ ગોડાઉનમાં ઊભી રહેવા મજબૂર બની છે. ડાંગ જિલ્લામાં ટાવરના અભાવે સસ્તા અનાજની દુકાને સુધી અનાજનો પુરવઠો પણ પહોંચી શક્યો નથી જે વહીવટી તંત્ર માટે ઘણી શરમજનક બાબત કહી શકાય તેમ છે.




