ચાપલધરા ગામે કાવેરી નદી પર રેલિંગ વગરના ડુબાઉ પુલથી અકસ્માતનું જોખમ
ચોમાસામાં મીંઢોળ ફળિયાના લોકો સંપર્કવિહોણા બની જતા 10 કિ.મી.નો ચકરાવો લઇ ગામ આવવું પડે છે

ચાપલધરા ગામથી મીંઢોળ ફળિયાને જોડતા કાવેરી નદી પરના કોઝવે કમ પુલ રેલિંગવિહોણો હોવાથી લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. દર વર્ષે ચોમાસા દરમિયાન આ પુલ ડૂબી જતા તેનું ધોવાણ થાય છે. ચાપલધરા ગામથી મીંઢોળ ફળિયા થઈ ચીખલી-સાપુતારાને જોડતાં માર્ગ પરના આ પુલની આ સમસ્યા વર્ષો જૂની છે તંત્રને આ સમસ્યાના સમાધાનમાં રસ ન હોવાનું પ્રતીત થઇ રહ્યું છે. વાંસદા તાલુકાનું છેવાડે આવેલા ચાપલધરા ગામથી પસાર થતી કાવેરી નદી પરના કોઝવે કમ પુલ ગામલોકો અને ગામમાં આવાગમન કરતા લોકો માટે ખૂબ ઉપયોગી છે.
ચાપલધરાના મોટા ભાગના લોકો નોકરી અને ખેતી સાથે સંકળાયેલા છે. અહીં મોટાભાગના લોકોની જમીન નદીના ઉપરના ભાગમાં આવી હોય જેને લઇને આ પુલ ખેતી કરતા ખેડૂતો માટે અવરજવર કરવા માટે એકમાત્ર વિકલ્પ છે. જ્યારે વાંસદા તરફ નોકરી અર્થે કે પછી સરકારી કચેરીઓના કામ અર્થે જતાં લોકો માટે પણ આ માર્ગ પરથી પસાર થતા હોય છે. જેથી આ માર્ગ ગ્રામજનોને ઉપયોગી છે.
આ પુલ રેલિંગવિહોણો હોવાથી અહીંથી પસાર થનારા લોકો માથે અકસ્માતનું જોખમ રહે છે. ઉપરાંત ચાપલધરા ગામના છેવાડાનુ મીંઢોળ ફળિયું કે તેને ગામ સાથે જોડતો આ એકમાત્ર પુલ છે. જ્યારે ચોમાસા દરમિયાન દર વર્ષે આ પૂલ ડુબાણ થતાં મીંઢોળ ફળિયાના લોકોને 10 કિલોમીટરનો ચકરાવો લઈ ગામ સાથે સંપર્ક કરવો પડે છે. આ ડુબાઉ પુલની વર્ષો જૂની સમસ્યા અંગે ગામના આગેવાનો અને હોદ્દેદારોએ અનેકવાર રજૂઆત કરી છતાં વહીવટી તંત્ર આખ આડા કાન કરતું હોવાનું પ્રતીત થઈ રહ્યું છે.
સમસ્યાનું સમાધાન કરવાનું ચૂંટણી સમયે વાયદો કરાય છે પણ નિરાકરણ આવતું નથી
કાવેરી નદી પરના આ કોઝવે કમ પુલની સમસ્યા બાબતે ગામના સરપંચ દ્વારા ગાંધીનગર સચિવાલય સુધી લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆત છતાં આ પુલની સમસ્યાનો આજદિન સુધીમાં કોઈ નિકાલ કરાયો નથી. દરેક ચૂંટણી સમયે વાયદા કરાય છે કે આ પુલની સમસ્યાનું સમાધાન કરવામાં આવશે પણ આજ દિન સુધી કોઈ ચોક્કસ નિરાકરણ કરવામાં આવ્યું નથી. >પ્રણવસિંહ પરમાર, ચાપલધરા




