ફૂલઉમરાણ અને રૂમકીતળાવની ખાસ બસ ફાળવવા વિદ્યાર્થીઓની માગ
બંને ગામ થઈ અંદાજે 200 કરતાં વધુ વિદ્યાર્થીઓ એસ ટી બસના પાસ ધરાવે છે

ઉચ્છલ તાલુકાના ફૂલઉમરાણ અને રૂમકી તળાવ ગામથી તાલુકા મથક ઉચ્છલ ખાતે દરરોજ અભ્યાસ અર્થે આવતાં વિદ્યાર્થીઓ માટે સ્પેશ્યલ બસ મુકવામાં આવે તેવી માંગ સાથે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા ઉચ્છલ મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
ઉચ્છલ ફૂલઉમરાણ, રૂમકીતળાવ અને તેની આસપાસના ગામમાંથી 200 કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે દેવમોગરા કોલેજ અને અન્ય શાળામાં આવે છે. હાલમાં તેમને ગામ થી શાળા કોલેજ સુધી પહોંચવા એસ.ટી બસની નામ માત્રની સુવિધા એસ.ટી નિગમ દ્વારા આપવામાં આવી છે. જો કે હાલ ની ઉપલબ્ધ બસ સેવા 200 કરતાં વધું પાસ હોલ્ડર માટે અપૂરતી હોય વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં રૂમકીતળાવથી ઉચ્છલ અને ઉચ્છલ થી ફૂલઉમરાણ ગામ વચ્ચે દોડાવાતી બસમાં વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરો ખીચોખીચ સ્થિતિમાં મુસાફરી કરી રહ્યા છે.
ઘણી વખત બસ માં મુસાફરોની ભારે ભીડ રહેતી હોવાથી વિદ્યાર્થીઓ બસનો સમય ચુકી જતાં હોય છે અથવા શાળા કોલેજમાં સમય કરતાં મોડા પહોંચતા હોય છે જેની સીધી અસર વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડી રહી છે. આ બાબતે કોલેજના વિદ્યાર્થીઓ વતી વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે. વિદ્યાર્થી સંગઠનના આગેવાન અંકુર વસાવા,જગદીશ ગામીત, વિશાલ ગામીત, દર્શના વસાવા અને કોલેજના વિદ્યાર્થીઓ મામલતદારને રજુઆત કરી ફૂલઉમરાણ અને રૂમકી તળાવ ગામથી ઉચ્છલ સુધીની વિદ્યાર્થીઓ માટે સ્પેશ્યલ બસની સગવડ કરી આપવા માગ કરી હતી. વિદ્યાર્થીઓની માંગણી બાબતે ટૂંક સમયમાં કોઈ નિર્ણય લેવામાં ન આવે તો ઉચ્છલ નિઝર સ્ટેટ હાઇવે પર બસ રોકો આંદોલન કરવાની ચીમકી પણ વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવી હતી.




