કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ દ્રારા બબ્બે વખત ખાતમુહર્ત થવા છતાં નાની દેવરૂપણથી ઉભારીયા રસ્તો બિસ્માર
નાની દેવરૂપણથી ઉભારીયા રસ્તા અંગે લોકસભા-૨૦૨૪ ની ચૂંટણીની બહિષ્કારની ચિમકી

- સરકારી દફ્તરે ગ્રાંટની ફાળવણી થઈ છતાં રસ્તાનું કામ ન થતાં સારવાર અર્થે જતાં લોકોએ જીવ ગુમાવ્યો હતો.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાની દેવરૂપણથી ઉભારીયા જતો રસ્તો રાજ્ય અને કેન્દ્ર સરકારના મંત્રીઓ દ્રારા ખાતમુહર્ત થયુ અને સરકારી દફ્તરે ગ્રાંટની ફાળવણી થઈ ગયેલ હોવા છતાં રસ્તો આજ સુધી પુર્ણ ન થતાં સેલંબા બજાર અર્થે સાગબારા સરકારી કામકાજ અર્થે તેમજ વિધાર્થીઓ અને સારવાર માટે અવન-જાવનની પરિસ્થિતીમાં ભારે મુશ્કેલી ઉભી થઈ છે.
નાની દેવરૂપણથી ઉભારીયા જતાં રસ્તાનું ખાતમુહર્ત માર્ગ અને મકાન વિભાગના મંત્રીએ તા.૧૦/૮/૨૦૦૯ ના રોજ તેમજ બિજી વખત કેન્દ્ર સરકારના ગૃહ અને સહકાર વિભાગના અમિતશાહે તા.૭/૮/૨૦૨૧ ના રોજ ખાતમૂહર્ત થવા છતાં અને સરકારી દફતરે ગ્રાંટની ફાળવણી થઈ હોવા છતાં રસ્તાનું કામ અપુર્ણ રહ્યુ છે. તેના કારણે સેલંબા બજાર અર્થે તેમજ સાગબારા તાલુકા મથકે સરકારી કામકાજ તથા અભ્યાસ કરતા વિધાર્થીઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. અને આ રસ્તાની ખરાબ હાલતને કારણે સારવાર અર્થે જતી મહીલા તેમજ એક રાહદારીઓનું પણ ભુતકાળમાં મૃત્યુ થયેલ છે. આ રસ્તો જ એક એવો છે કે બે વખત કેન્દ્ર અને રાજ્ય સરકાલના મંત્રીઓ ખાતમુહર્ત કરે અને કામ પુર્ણ ન થાય એવી અજીબ ઘટના જોવા મળી છે. આથી આખરે રસ્તા બાબતે ચારથી પાંચ ગામોના લોકોએ મામલતદારને આવેદનપત્ર આપી જણાવવામાં આવ્યુ છે કે ,રસ્તો વહેલી તકે બનાવવામાં નહી આવે તો લોકસભા-૨૦૨૪ ની ચુંટણીનું બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. આવેદનપત્ર આપવા અનિલ વસાવા તથા સુધીર કોઠારી તેમજ ગામવાસીઓ ઊપસ્થિત રહ્યા હતાં.




