ઉમરપાડાના વહાર ગામે વીર નદીના કોઝવે ઉપર પગ લપસી જતાં ડૂબી જવાથી મોત

સુરત જિલ્લામાં બકરા ચરાવવીને પરત આવતી વેળાએ વીરા નદીના કોઝવે ઉપરથી પાણીના પ્રવાહમાં પગ લપસી જતાં 60 વર્ષીય વૃદ્ધ કોઝવેમાં ડૂબી ગયા હતા. બકરાઓને બચાવવા જતાં તેઓનો પગ લપસી ગયો હતો. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતાં ફાયર વિભાગે ભારે શોધખોળ કરતાં આજરોજ તેઓની લાશ મળી આવી હતી. વૃદ્ધના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વહાર ગામ ડુંગરી ફળિયા ખાતે સુરજીભાઈ ઉબડાભાઈ વસાવા [ઉં.60] પરિવાર સાથે રહેતા હતા. ગતરોજ તેઓ સવારે બકરા ચરાવવા માટે પેટરકુઈના જંગલમાં ગયા હતા. બાદમાં સાંજના ચારેક વાગ્યે પરત આવી રહ્યા હતા. આ દરમ્યાન વરસાદના કારણે વીરા નદીના કોઝવે ઉપર પાણીનો પ્રવાહ ચાલુ હતો. બકરીઓ પાણીના પ્રવાહમાં તણાવવા લાગી હતી. જેથી સુરજીભાઈ બકરીઓને બચાવવા જતાં તેઓનો પગ લપસી ગયો હતો અને તેઓ ઊંડાણ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા.
આ દરમ્યાન ત્યાં હાજર લોકોએ તેઓને બચાવવાની કોશિશ કરી હતી પરંતુ તેઓ વીરા નદીના કોઝવેમાં ડૂબી ગયા હતા. બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસ તેમજ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમે શોધખોળ કરતાં આજ રોજ તેઓની લાશ મળી આવી હતી. સુરજીભાઈના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.




