દેડિયાપાડાની ICDS કચેરી તરફ જવા માર્ગ ઉપર ખાણીપીણીની લારીઓથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું

નર્મદા જિલ્લાના તાાલુકા મથક દેડિયાપાડામાં સફાઇનો અભાવ જોવા મળી રહયો છે. આઇસીડીએસ કચેરી તરફ જતાં માર્ગ પર 15 દિવસથી ગટરનું પાણી રોડ પર વહી રહયું હોવાથી લોકોને અવરજવરમાં તકલીફ પડી રહી છે. વહેલી તકે સફાઇ કરાવવામાં આવે તેવી સ્થાનિકો માગણી કરી રહયાં છે. દેડિયાપાડાના મુખ્ય માર્ગો પર ગટર ઉભરાતા રોડ પર ગંદકીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. આઇસીડીએસ ઓફિસ તરફ જવાના મુખ્ય માર્ગ પર ગટર ઉભરાતા ગંદકી ફેલાયેલી જોવા મળી રહી છે. આ માર્ગથી રોજના સેંકડો લોકોની અવરજવર રહેતી હોય છે આ ઉપરાંત અહીં ચા-નાસ્તાની લારીઓ આવેલી હોવાથી લોકો વધુ આવતાં હોય છે. આ વિસ્તારમાં 15 દિવસથી ગટરના પાણી ઉભરાઇને રોડ પર વહી રહયાં હોવાથી રોગચાળાની ભિતિ ફેલાયેલી છે. હાલ ગંદકીને કારણે આસપાસના રહીશોને ત્યાંથી પસાર થવું મુશ્કેલ થઈ ગયુ છે. આસપાસ ઊભી રહેતી મુસાફરોની રિક્ષાઓમાં બેસતા મુસાફરો ગટરના દૂષિત પાણીને કારણે ત્યાં બેસવું મુશ્કેલ થય ગયું છે. તંત્રને સ્થાનિકો તરફથી વારંવાર રજુઆત કરવા છતાં સમસ્યાનો નિકાલ આવતો નથી. ગ્રામ પંચાયત સહિતનું તંત્ર ગટરની સફાઇ કરી લોકોને સ્વચ્છ રસ્તો પુરૂ પાડવામાં નિષ્ફળ રહયું હોય તેમ લાગી રહયું છે.




