માંડવીના ગૌરવપથ રસ્તે જતાં રાહદારીઓને ગૌરવ થવાને બદલે થાય છે કાદવ-કીચડ ગંદકીનો અહેસાસ; હવે બોલો કેવી રીતે કરવો ગૌરવ!

માંડવી નગરપાલિકા વિસ્તારમાં આવેલ અને માંડવી નગરની આગવી ઓળખ સમાન ગૌરવ પથ પર આવેલ સ્વામી વિવેકાનંદ શોપિંગ સેન્ટર આગળના ખુલ્લા ભાગમાં પાણીના યોગ્ય નિકાલના અભાવે કાદવ કિચડ ઠેર ઠેર પથરાઈ રહ્યો છે જેથી શોપિંગ સેન્ટરના દુકાનધારકો તથા દુકાન પર આવતા ગ્રાહકો માટે ગંદકી માથાનો દુખાવો બની રહી છે.
નગરપાલિકામાં વારંવારની રજૂઆતો પછી પણ ગંદકીને દૂર કરવા માટે કોઈ યોગ્ય પગલા ભરાતા નથી જેથી સ્વામી વિવેકાનંદ શોપિંગ સેન્ટરના દુકાનધારકોમાં ભારે નારાજગી વ્યાપી ઊઠી છે.
સુપડી વિસ્તારમાં આવેલ શોપિંગ સેન્ટરમાં ઘણા સમયથી ટ્યુશન ક્લાસ પણ ચાલે છે જેથી બાળકોની પણ અવરજવર રહે છે એ ઉપરાંત સામાન્ય લોકોની પણ પુષ્કળ પ્રમાણમાં અવરજવર રહેતી હોય એવા સ્થળે પથરાતી ગંદકી દૂર કરવા પાલિકા દ્વારા કરવામાં આવતી આળસ કે નજર અંદાજથી સામાન્ય લોકો હેરાનપરેશાન થઈ રહ્યા છે. ત્યારે પાલિકા ગૌરવપથને અડીને આવેલા શોપિંગ સેન્ટર આગળની ગંદકીને દૂર કરે એવી લોકમાંગ ઉઠી છે.




