ધારાસભ્ય ચૈતર વસાવાના અધ્યક્ષસ્થાને ડેડીયાપાડા ખાતે ‘દિવ્યાંગ સાધન સહાય વિતરણ’ કાર્યક્રમનું આયોજન

ડેડિયાપાડા અને સાગબારા તાલુકાના દિવ્યાંગ લાભાર્થીઓને વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત સાધનોનું વિતરણ કરી સ્વનિર્ભર બનાવવા માટે ડેડિયાપાડાના જાનકી આશ્રમ શાળા ખાતે આયોજિત ‘દિવ્યાંગ સાધન સહાય વિતરણ’ કાર્યક્રમ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં ‘હુડકો’ – સીએસઆર પ્રોજેક્ટ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રાજીવ શર્મા હજાર રહ્યા હતા.
ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ડેડિયાપાડા-સાગબારા તાલુકાના છેવાડાના દિવ્યાંગ લાભાર્થીઓને સમાજની મુખ્યધારામાં લાવવા માટે આવા સરાહનીય પ્રયાસો થઈ રહ્યાં છે. આ પ્રયાસોના કારણે દિવ્યાંગજનો સામાન્ય માનવીની જેમ સ્વનિર્ભર અને ખુશખુશાલ જીવન જીવી શકશે. વસાવાએ ગ્રામજનોને સરકારની અનેકવિધ પ્રજાલક્ષી અનેક યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમ ડેડિયાપાડા અને સાગાબારા તાલુકાના 163 જરૂરિયાતમંદ દિવ્યાંગ લાભાર્થીઓને કુલ 26.49 લાખના ખર્ચે 19 પ્રકારના 289 જેટલા જરૂરિયાત મુજબ સાધનોનું વિતરણ કરાયું હતું. જેમાં બેટરી સંચાલિત ટ્રાયસિકલ, વ્હીલચેર, બ્રેલકિટ, શ્રવણયંત્ર અને વોકર સ્ટિક સહિતના વિવિધ જરૂરિયાત મુજબના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.




