ડાંગ

આહવા તાલુકા પંચાયતમાં પાણીની મોટર ખરીદીમાં ગેરરીતિ થયાનો આરોપ

જિલ્લા કોંગ્રેસે રૂ.10,07,500 વધુ ચૂકવણી કરાયાનો આક્ષેપ કર્યો

આહવા તાલુકા પંચાયતમાં પાણીની મોટર ખરીદીમાં ગેરરીતિ થઇ હોવાના આક્ષેપ સાથે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

આહવા તાલુકા પંચાયતમાં પાણીની મોટર ખરીદીમાં ગેરરીતિ આચરવામાં આવી હોય તેવા આક્ષેપો સાથે ઇન્ડિયન યુથ કોંગ્રેસના ગુજરાત પ્રદેશ મંત્રી મનીષ મારકણા એ ડાંગ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

ડાંગ જિલ્લાના વિકાસ માટે જાહેર જનતાના ભરેલ ટેક્સમાંથી સરકાર નાણાંની ફાળવણી કરે છે ત્યારે આહવા તા.પં. દ્વારા 15માં નાણાપંચ અંતર્ગત 2020-2021માં ગ્રામ પંચાયત વાઈઝ આયોજન (ખરીદીના કામોમાં) આહવા તાલુકાની અમુક ગ્રામ પંચાયતમાં પાણીની મોટર ખરીદી માટે જીઇએમ પોર્ટલ પર ટેન્ડર બહાર પાડ્યું હતું. જેમાં 13 પાણીની મોટર ખરીદીનું કામ થયું છે, આ અંગેની માહિતી ઇન્ડિયન યુથ કોંગ્રેસના ગુજરાત પ્રદેશ મંત્રી મનીષ મારકણાએ આરટીઆઇ દ્વારા માંગી હતી. જેમાં સ્પેશિફિકેશન મુજબ એક મોટરની ફાલકન કંપનીની ખરીદી રૂ. 95500 બતાવાઇ છે. મનીષ મારકણાએ ઘણી દુકાનમાં આ સ્પેશિફિકેશન મુજબ ફાલકન કંપનીની પાણીની મોટર બાબતે તપાસ કરી તો તેની કિંમત 14થી 22,000 હજાર સુધીમાં સારામાં સારી આવે તેવુ જાણવા મળ્યું હતું. આહવા તાલુકા પંચાયત દ્વારા આ પાણીની મોટરની ખરીદીમાં ગેરરીતિ આચરાઇ હોવાનું જણાઇ આવ્યું છે. આહવા ટીડીઓએ બીલ વગેરેના કાગળિયા જોયા વગર બિલ પણ પાસ કરી દેવાયું છે. આવી ગેરરીતિ એક પાણીની મોટર ખરીદીમાં કરી હોય તો આહવા તા.પં.માં જો નિષ્પક્ષ તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવી શકે એમ છે. જો એક મોટર ખરીદીનો ભાવ બજારમાં 18,000 હોય તો 13 મોટરના રૂ. 2,34,000 થાય તો આહવા તા.પં.ના ટેન્ડર પ્રમાણે 95,500 પ્રમાણે 13 મોટરના રૂ. 12,41,500 થાય છે, જેથી રૂ. 10,07,500નો ગેરરીતિનો આક્ષેપ કરાયો છે.

આ ટેન્ડરમાં ગેરરીતિ કરનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તથા સરકારી ગ્રાન્ટનાં નાણા રિકવર કરાય તેવી માંગ સાથે મનીષ મારકણાએ ડાંગ જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથારને આવેદનપત્ર પાઠવ્યું હતું.

Related Articles

Back to top button