સાગબારા ખાતે જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે 75મા પ્રજાસત્તાક પર્વ નિમેત્તે ધ્વજવંદન કર્યું

દેશના 75મા પ્રજાસત્તાક પર્વની દબદબાભેર હર્ષ ઉલ્લાસ સાથે આજે સાગબારા તાલુકાની નવરચના માધ્યમિક શાળા સંકુલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી અર્પી હતી.
પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારે રાષ્ટ્રીય દિવસની ઉજવણીએ જણાવ્યું કે, સમગ્ર રાષ્ટ્ર માટે પોતાનું જીવન સમર્પિત કરનાર રાષ્ટ્રપિતા પૂજ્ય બાપુ મહાત્મા ગાંધી અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સહિત અનેક વીર સપૂતોએ આઝાદીની ચળવળમાં અમૂલ્ય યોગદાન આપી શહીદી વ્હોરી હતી. જેમના પ્રતાપે આજે આપણે લોકશાહી દેશના નાગરિક તરીકે મુક્ત છીએ તેમ જણાવી સ્વાતંત્ર્ય સેનાનીઓ તથા દેશના બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરી પ્રજાસત્તાક દિવસે હું શત શત નમન કરૂં છું.
આઝાદીના અમૃત કાળમાં રૂકના, ઝૂકના ઓર થકના હમે મંજૂર નહીં તેમ કહી સર્વાંગી વિકાસની વાતને આગળ ધપાવતા મંત્રીએ જણાવ્યું કે, ખેડૂતો સહિત નાગરિકો આત્મનિર્ભર બને, ભવ્ય ગુજરાતનું નિર્માણ થાય અને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના 2047 ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં સરકારે અનેક લોકકલ્યાણકારી પગલાં લઈ રહી છે. વિશ્વના ઉદ્યોગ જગતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી કડીનું શાનદાર આયોજન આ વર્ષે કરવામાં આવ્યું. આ શૃંખલામાં દેશના સૌથી મોટા ટ્રેડ શોનું પણ ગુજરાતમાં આયોજન કરી સમૃદ્ધ ભારતનું ભવિષ્ય સુનિશ્ચિત કરતો ગોલ્ડન ગેટવે બનીને ગુજરાતે આગવી પહેલ કરી દેશને દિશા દર્શન કર્યું છે.
જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલા 13 જેટલા ટેબ્લોનું પણ નિરિક્ષણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન વે મેડ સ્કૂલ- પાટ, નવરચના હાઈસ્કૂલ-સાગબારા અને સેલંબા હાઈસ્કૂલ- સેલંબાના વિદ્યાર્થીઓએ દેશભક્તિનો ભાવ જગાવતી કૃતિઓ રજૂ કરી અનોખુ આકર્ષણ જમાવ્યું હતું. આ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉત્તમ પ્રદર્શન કરનાર ટીમને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તીપત્રો આપી સન્માનિત કરાયા હતા.




