ઓલપાડ

શ્રી કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉઘોગ મંડળી લી. સરસ સુગર ફેક્ટરીના વહીવટને લઈને કલેક્ટરને રજૂઆત

સુગર ફેક્ટરીમાં ખેડૂતોએ નાખેલી શેરડીના નાણા ચૂકવાયા નથી. જેને લઈને ખેડૂતો આજે સુરત કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. પીલાણ સીઝન 2023-24 દરમિયાન કુલ 69669 મેટ્રિક ટન શેરડી ઉત્પાદન કરી શ્રી કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉઘોગ મંડળી લી. સરસ તા.ઓલપાડ ખાતે આવેલી સુગર ફેક્ટરીમાં નાખી છે. આ સાથે ખેડૂતોએ નાખેલી શેરડીની વિગત દર્શાવતું પત્રક રજુ કર્યું છે. કાંઠા સુગરે દરેક ખેડૂતોને શેરડીના બીલ પણ આપ્યા છે.તેમજ તમામ ખેડૂતોના બેંક ખાતા નંબર પણ લેવામાં આવ્યા છે, પરંતુ સુગર ફેક્ટરી તરફથી નાખેલી શેરડીના નાણા આજદિન સુધી ચૂકવાયા નથી.

સુગરના નાણા ચાઉં કરી ગયા

કાંઠા સુગરના ડિરેક્ટરોએ શેરડી પીલાણ કરી તેમાંથી ઉત્પાદન થયેલી ખાંડ, મોલાસીસ અને અન્ય પેદાશોનું બારોબાર વેચાણ કરી સુગરના નાણા ચાઉં કરીને ફેક્ટરીને તેમજ ખેડૂતોને ઘણું મોટું નુકસાન કર્યું છે. ખેડૂતોએ કાંઠા સુગર ફેક્ટરીની મુલાકાત લઈ ત્યાં શેરડીના નાણાંની માગણી કરતા હાજર સ્ટાફ તરફથી કોઈપણ જાતનો પ્રતિભાવ આપવામાં આવતો નથી. તેમજ મોટાભાગના ડિરેક્ટરોએ રાજીનામાં આપી દીધા હોવાનું જણાવ્યું છે. હાલમાં ત્રણ ડિરેક્ટરો મનહરભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ અને સતીશભાઈ પટેલનો સંપર્ક કરતા તેમણે અમારી શેરડીની બાકી રકમ આપવામાં કોઈ રસ દાખવ્યો નથી અને કોઈપણ જાતનો સહકર આપ્યો નથી. ખેડૂતો દ્વારા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ

ખેડૂતોએ કહ્યું કે, અમારા પરિવારનું જીવન ખેતી ઉપર નિર્ભર છે. શેરડીના નાણા નહીં મળવાથી ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકાઈ ગયા છીએ. ખેડૂતોએ સખત મહેનત કરી પરસેવો પાડી શેરડી પકવી સુગર ફેક્ટરીને આપી છે. સુગર ફેક્ટરીએ નાણા નહીં ચૂકવી પાયમાલ કરી દીધા છે અને છતે પૈસે અમને ખેડૂતોને ભિખારી બનાવી દીધા છે અને ઝેર પીવાનો વારો આવ્યો છે. આગામી સિઝનમાં ખેતીના પાક ડાંગર, કપાસ, શાકભાજી વગેરે તૈયાર કરવાનો ખર્ચ કરવો પણ મુશ્કેલ થઈ ગયો છે. જેથી કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ સરસમાં નાખેલી શેરડીના નાણા વહેલી તકે અમોને મળે તેવી કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.

કરોડો રૂપિયા ચૂકવવામાં આવ્યા નથી

રાહુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, મેં કાંઠા સુગરમાં શેરડી નાખી છે અને તેનું પેમેન્ટ આજદિન સુધી અમને મળ્યું નથી. ડિરેક્ટર અને ચેરમેનને વારંવાર રજૂઆત કરી છે તેમ છતાં અમને રૂપિયા મળ્યા નથી. મારા હાંસોટ તાલુકાના 310 ખેડૂતો છે. વ્યારાના બીજા 300થી 400 ખેડૂતો છે. ટોટલ હજુ 22થી 25 કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવવાના બાકી છે. 1 વર્ષ સુધી અમને નાણા મળ્યા નથી.

Related Articles

Back to top button