નાંદોદના પોઇચા ગામમાં ખેતરમાં સિંચાઇનું પાણી નહિ મળતાં ખેડૂતે ઝેરી દવા પી લઇ આપઘાત કર્યો

નર્મદા નાંદોદના પોઇચા ગામમાં ખેતર માં પાણી નહિ આવવાની સમસ્યા અને અન્ય કારણોને લઇ ખેડૂતે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પોઇચા ગામના ડેરી ફળિયામાં રહેતાં દક્ષા બારીયાએ આપેલી ફરિયાદ મુજબ તેમના પતિ કમલેશ બારીયા (ઉવ.37) નાઓ ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ચાલુ વર્ષે ભારે વરસાદ સહિત અન્ય કારણોને લીધે ખેતીને નુકસાન પણ થયું હતું. તેમણે ખેતરમાં કપાસના પાકનું વાવેતર કર્યું હતું. સિંચાઇ માટે તેઓ કુવાના પાણીનો ઉપયોગ કરતાં હતાં પણ ત્રણ દિવસથી મોટર બગડી જતાં પાકને પાણી આપી શકાયું ન હતું. આ બાબતને લઇ તેઓ હતાશ થઇ ગયાં હતાં. તેમણે 28મીએ ખેતરથી ઘરે આવી કપાસમાં છાટવાની ઝેરી દવા પી લીધી હતી. તેમને રાજપીપળાની સિવિલમાં સારવાર માટે ખસેડાયાં હતાં. જયાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. રાજપીપળા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે નર્મદા નદીમાં આવેલાં પુરના કારણે ખેતીને પારાવાર નુકસાન થયું હતું અને ચાલુ વર્ષે ભારે વરસાદના કારણે ખેડૂતોની સીઝન નિષ્ફળ નીવડી છે. દિવાળી આવી રહી હોવા છતાં ખેડૂતો સંકડામણમાં છે.




