અધિકારીઓ ટ્રેનિંગમાં વ્યસ્ત અને સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં પશુઓમાં લમ્પી વાયરસનો પગપેસારો

ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં રખડતા પશુઓમાં લમ્પી વાયરસની અસર જોવા મળી છે પરંતુ વહીવટી તંત્ર દ્વારા પશુઓની સારવાર અંગે કોઈ દરકાર લેવામાં આવતી નહીં હોય તેવું જણાઈ રહ્યું હોવાથી પશુપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. પશુઓમાં જોવા મળતા લમ્પી વાયરસને ડામવા રાજ્ય સરકાર સતત પગલા ભરી રહી છે. અસરગ્રસ્ત પશુઓની તાત્કાલિક સારવાર, તેઓના રહેવા માટે અલાયદી વ્યવસ્થા સહિત પશુ ચિકિત્સકોની રાઉન્ડ ધ ક્લોક નિગરાની સહિતની સુવિધાઓ સરકારે ઉપલબ્ધ બનાવી છે. જેથી કરીને અબોલ પશુઓને બચાવી શકાય અને ચેપને આગળ વધતો અટકાવી શકાય પરંતુ ડાંગના સાપુતારામાં લમ્પી વાયરસને લઇ તંત્રનો અલગ જ નજારો જોવા મળી રહ્યો છે. પર્યટક સ્થળ સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળે છે. આ સંજોગોમાં સાપુતારામાં રખડતા પશુઓમાં લમ્પી વાયરસની અસર જોવા મળી છે પરંતુ વહીવટી તંત્રમાં જીવદયા જોવા મળી નથી, કારણકે છેલ્લા કેટલાય સમયથી લમ્પી વાયરસના શિકાર પશુઓ રખડતા રઝળતા જોવા મળી રહ્યા છે. પશુઓના શરીરના ભાગે મોટા ગુમડાઓ સ્પષ્ટપણે દેખાય રહ્યા છે તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત પશુઓની સારવાર માટે કોઈ પગલાં લેવાયા નથી. આરોગ્ય વિભાગ તાત્કાલિક ધોરણે વાયરસગ્રસ્ત પશુઓની સારવાર કરાવે અને જીવલેણ લમ્પી વાયરસને ડાંગ જિલ્લામાં અને અન્ય જિલ્લામાં પ્રસરતો અટકાવે તેવી લોકમાંગ ઉઠી છે. આરોગ્ય વિભાગ પશુઓની સારવાર કરાવશે કે પછી ઉદાસીન વલણ દાખવશે તે આવનારો સમય જ બતાવશે.




