તાપી જિલ્લામાં ચૂંટણી વેળા સોનગઢના માંડળ ગામ પાસે નેશનલ હાઇવે પર આવેલા ટોલનાકા સંચાલકો લોકો દ્વારા સોસિયલ મીડિયામાં બાંયો ચડાવી

સોનગઢના માંડળ ગામ પાસે નેશનલ હાઇવે પર આવેલા ટોલનાકા સંચાલકો દ્વારા તાપી જિલ્લાના વસવાટ કરતાં સ્થાનિક કોમર્શિયલ વાહન ચાલકો પાસે અને નિઝર ઉચ્છલ જેવાં દૂરના સ્થાને રહેતાં લોકો પાસે પુરી ટોલ ફી વસૂલ કરવામાં આવતી હોય આ મુદ્દો આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન જોર શોરમાં ઉંચકાશે એવું જાણવા મળ્યું છે.
સોનગઢ તાલુકાના માંડળ ગામે કાર્યરત ટોલનાકા સંચાલકો દ્વારા સોનગઢ વ્યારા અને ગ્રામ્યના 20 કિલોમીટર વિસ્તારમાં રહેતાં કોમર્શિયલ વાહનના ચાલકો પાસે પૂરે પુરી ટોલ ફી વસૂલાય છે. ટોલનાકાની આસપાસના ગામડાંમાં રહેતાં લોકોને પણ એમાંથી મુક્તિ આપવામાં આવી નથી. સાથે જ તાપી જેવા આદિવાસી જિલ્લામાં નિઝર અને ઉચ્છલ જેવા તાલુકામાંથી કામ અર્થે વ્યારા આવતાં ફોર વ્હીલ ધારકો પાસે પણ પૂરે પુરી એટલે કે એક તરફની રૂ.170 રૂપિયા વસૂલ કરાય છે, જે કદાચ દેશમાં આટલા ઓછાં અંતર માટે વસૂલ કરવામાં આવતી સહુથી વધુ ટોલ ફી હોઈ શકે એમ કહેવાય તો ખોટું નથી. આ ટોલ નાકુ શરૂ થયા પછી અવારનવાર વિવાદમાં આવે છે. સંચાલકો સામે અનેક આંદોલનો થયાં પણ સંચાલકો દ્વારા રાજકીય આગેવાનો કે આંદોલનના નેતાઓને સાંધી લેવાની કુશળતાને કારણે પ્રજા બિચારી બાપડી જ સાબિત થઈ રહી છે. આ બાબતે જેમણે પગલાં ભરવાના હોય છે એ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ પણ ટોલનાકા સંચાલકો ઓથોરિટીના કેટલાય નિયમોનું પાલન કરતાં ન હોવા છતાં કઈ કરતાં નથી. રાજકીય આગેવાનો, કહેવાતા આંદોલનકારી અને તંત્રના લોકોનો ટોલનાકા સંચાલકો પડ્યો બોલ ઝીલતા હોવાથી એમને કોઈ વાંધો આવતો નથી પણ વધુ ટોલ ફી ભરીને સામાન્ય જનતાનો ખો નીકળી રહ્યો છે. ચૂંટણી આવી છે ત્યારે તાપી જિલ્લામાં સ્થાનિકો પાસે ટોલ ફી નાબુદી નો અવાજ ઉઠવો શરૂ થઈ ગયો છે. ગત દિવસોમાં માંડળ ટોલ ફ્રી એ નામનું વોટ્સએપ પર ગ્રુપ બનાવાયુ છે અને તેમાં જે પાર્ટીનો ઉમેદવાર માંડળ ટોલનાકા પર વાહન ચાલકોને ટોલ ફીમાંથી માફી અપાવે એમને જ મત આપવા બાબતની ચર્ચા ઉઠી છે અને તેમાં ભૂતકાળમાં રાજકીય આગેવાનોએ ટોલ ફી બાબતે કરેલાં ખોટા વાયદા સાથેના વીડિયો ધૂમ મચાવી રહ્યા છે.



