તાપી

ડોલવણનાં ધાણી ગામનો કોઝવે પહેલાં વરસાદમાં જ બંને બાજુથી ધોવાઇ જતાં વાહન-વ્યવહાર ઠપ

હવે 10 કિલોમીટરનો ચકરાવો ખાવો પડશે

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ધાણી ગામનો કોઝવે ધોવાયો હોવાની ઘટના સામે આવી છે. ગામનો મુખ્ય રસ્તો ધોવાઈ જતા વાહન-વ્યવહાર બંધ થયો છે. છેલ્લા ત્રણ દિવસથી ડોલવણ તાલુકાના ભારે વરસાદને લઈને કોઝવે પર પાણી ફરી વળતાં કોઝવે ધોવાઈ જતાં ગામના લોકોની મુશ્કેલીમાં ભારે વધારો થયો છે. તેમજ ધાણી ગામના લોકોને એક ગામથી બીજા ગામ પહોંચવું પણ મુશ્કેલ બન્યું છે. બુહારી, વાલોડ, ડોલવણ જેવા મુખ્ય મથકોએ જવા આશરે ૧૦ કિલોમીટરનો ચકરાવો ફરવા ગ્રામજનો મજબૂર બન્યા છે.

કોઝવે ધોવાતાં બાળકોને શાળાએ જવામાં મુશ્કેલી પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા ત્રણેક દિવસથી તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં ડોલવણ તાલુકાના ધાણી ગામનો કોઝ-વે ધોવાઇ જતાં વાહન-વ્યવહાર ઠપ થઈ ગયો છે. પહેલાં ભારે વરસાદને કારણે ધાણી સહિત આસપાસ આવેલા ગામોના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોઝવે ધોવાતાં શાળા અને કોલેજના બાળકોને મુશ્કેલી પડી રહી છે.

છેલ્લા ત્રણ દિવસમાં વરસેલા ભારે વરસાદને પગલે નદી નાળા ઓવરફ્લો થતાં નદી બે કાંઠે આવી હતી. જેને કારણે ધાણી ગામનો મુખ્ય રસ્તો ગણાતાં કોઝવેમાં બંને કિનારે મસમોટાં ગાબડાં પડી ગયાં છે અને અહીંથી પસાર થવું રાહદારીઓ માટે જીવને જોખમમાં સમાન છે. આ કોઝવે પર કાર તો ઠીક બાઈક પણ ચાલી શકે તેમ નહીં હોવાથી વિદ્યાર્થીઓને શાળાએ પહોંચાડવાનું પણ અસંભવ બની ચૂક્યું છે, ત્યારે ઘાણી, મહુવરીયા, બામણામાળદુર, ગાંગપુર જેવા પાંચ કરતા વધારે ગામના લોકોને હાલાકી પડી રહી છે.

આ સમગ્ર વિષય પર નાયબ કાર્યપાલક ઇજનેર સંદીપ ગાવિતએ જણાવ્યું હતું કે, આ કોઝવેનું 2004માં નિર્માણ કરાયું હતું. જેથી છેલ્લા 2 વર્ષથી કોઝવેની બંને બાજુથી પાણીમાં ધોવાણ થાય છે. જેથી હાલ નિરીક્ષણ માટે અમારા વિભાગની ટીમ પહોંચી ગઈ છે અને જલદીથી જલદી કાર્યપૂર્ણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Related Articles

Back to top button