ખેડૂતોના પ્રશ્નોને ધ્યાને રાખી બારડોલી નગર ખેડૂત સમાજની મિટિંગનું આયોજન થયું

બારડોલી નગર ખેડૂત સમાજની એક મહત્વની બેઠક આશાપુરી માતાના મંદિરમાં યોજાઈ હતી. મોટી સંખ્યામાં ખેડૂતો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂત સમાજના તમામ સભ્યો મળીને આ પ્રશ્નોને લઈને સંબંધિત અધિકારીઓને રજૂઆત કરશે અને સમાધાન માટે પ્રયત્ન કરશે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સમાજના પ્રમુખ કિરણ લાકડાવાળાની અધ્યક્ષતામાં આયોજીત બેઠકમાં ખેડૂતોને અસર કરતા વિવિધ પ્રશ્નો જેવા કે કાયમી વીજળી પુરવઠો, ખેતરો સુધી પહોંચતા માર્ગો, ઢોર અને ભેલાણ સંબંધિત સમસ્યાઓ અને ટીપી અને ડીપીનો અમલ જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતોને 8 કલાક નિયમિત વીજ પુરવઠો મળતો રહે તે માટે રજૂઆત કરવાનું પણ નક્કી થયું હતું. ખેડૂતોએ પણ સૂચનો આપીને ખેડૂત સમાજને મજબૂત બનાવવા જણાવ્યું હતું.
આગેવાનો મુકેશ પટેલ, પરેશ પટેલ, પ્રભુભાઈ પટેલ, હારુન પટેલ, તેજસ પટેલ, ઈસ્માઈલભાઈ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.




