ગુજરાત

રાજયમાં સહકારી ધોરણે ચાલતા ખાંડ ઉદ્યોગમાં ખાનગી કંપનીના પ્રવેશ સામે સુગર મિલના ચેરમેનોએ સરકાર સમક્ષ વિરોધ નોંધાવ્યો

સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માને મળેલા મિલ ચેરમેનોએ સરકાર સમક્ષ લાલબત્તી ધરતા જણાવ્યું હતું કે, આઝાદી બાદથી આ ઉદ્યોગ ગુજરાતમાં સહકારી ધોરણે ચાલે છે અને ખાનગીકરણથી ઉદ્યોગનો મૃત્યુઘંટ વાગશે.

માંડવી સુગરના ખાનગીકરણ મુદ્દે રજૂઆતમાં જણાવાયું હતું કે, ખાનગી કંપની ભલે પોતાની મશીનરી મહારાષ્ટ્ર લઈ જાય પરંતુ ગુજરાતમાં એકમ શરૂ નહીં થાય તેની તકેદારી સરકારે રાખવી જોઈએ. ખાંડ ઉદ્યોગ સંઘના ઉપપ્રમુખ અને ચલથાણ સુગરના ચેરમેન કેતન પટેલે જણાવ્યું હતું કે, સહકારી કાયદાનું ખોટું અર્થધટન કરાયું છે. સહકારી મિલ બંધ થાય તો સરકારની મંજુરી બાદ ફડચાની પ્રક્રિયા થાય છે. માંડવી મિલમાં આ પ્રક્રિયાનું પાલન થયું નથી. જેની સામે સહકાર મંત્રી વિશ્વકર્માએ સરકારે ખાનગી કંપનીની લાયસન્સની પ્રક્રિયા અટકાવી હોવાનું જણાવ્યું હતું. સાથે જ આ સમગ્ર પ્રકરણમાં સરકાર સ્તરે ઝડપથી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

આ રજૂઆતમાં મંત્રી મુકેશ પટેલ તેમજ ધારાસભ્ય સંદિપ દેસાઈ પણ જોડાયા હતા અને સુગર મિલ ચેરમેનોની રજૂઆત મહત્વની હોય બાબતને ગંભીરતાપૂર્વક લેવા માટે સુર પુરાવ્યો હતો. જયારે ખાંડ ઉદ્યોગ સંઘની આજે મળેલી મિટિંગમાં સુગર મિલમાં પિલાણ આગામી તા. 5થી 10 નવેમ્બર વચ્ચે શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.

Related Articles

Back to top button