સુરત જિલ્લાની બે મહિલા સરપંચને જલ શક્તિ યોજનામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ દિલ્હીમાં પ્રજાસત્તાક દિન સમારોહમાં સ્પેશિયલ આમંત્રણ

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સોંદામીઠા અને વડોદ ગામની સમરસ ગ્રામ પંચાયતની મહિલા સરપંચોને 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં યોજાનાર પ્રજાસત્તાક દિન સમારોહમાં વિશેષ મહેમાન તરીકે આમંત્રણ મળ્યું છે. સોંદામીઠા ગ્રામ પંચાયતના સરપંચ દિક્ષાબેન ઠાકોર અને વડોદ ગ્રામ પંચાયતના સરપંચ શિતલબેન દેસાઈએ તેમના ગામોમાં વર્ષો જૂની પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ લાવ્યું છે.

વાસ્મો અંતર્ગત ‘જલ સે નલ’ યોજના હેઠળ મળેલી ગ્રાન્ટનો ઉપયોગ કરીને બંને મહિલા સરપંચોએ તેમના ગામના દરેક ઘર સુધી નળ દ્વારા પાણી પહોંચાડવામાં સફળતા મેળવી છે. આ નોંધપાત્ર કામગીરીને ધ્યાનમાં લઈને રાજ્ય અને કેન્દ્ર સરકારે તેમને પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં આમંત્રિત કર્યા છે.

ગુજરાત રાજ્યમાંથી માત્ર ચાર જિલ્લા – કચ્છ, અમદાવાદ, નવસારી અને સુરતની મહિલા સરપંચોને જળશક્તિ અને રક્ષા મંત્રાલય તરફથી આ વિશેષ આમંત્રણ મળ્યું છે. બંને મહિલા સરપંચોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય જળ સંપત્તિ અને રક્ષા મંત્રાલય તેમજ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલનો આભાર માન્યો છે અને ભવિષ્યમાં પણ આ યોજનાને વધુ સફળ બનાવવાની ખાતરી આપી છે.




