માંગરોળ

વાંકલ વિસ્તારના ખેડૂતોને મળી સિંચાઈ યોજના માટે રૂ.20 કરોડની ગ્રાન્ટ

કાકરાપાર ઘોડદા વડ ઉદવહન સિંચાઈ યોજનાના વિસ્તરણ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય

માંગરોળના વાંકલ વિસ્તારમાં કાકરાપાર ઘોડદા વડ ઉદવહન સિંચાઈ યોજનાના વિસ્તરણ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે રૂપિયા 20 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે, જેના પગલે ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ વાંકલ ખાતે અધિકારીઓ અને ખેડૂતો સાથે સંકલન બેઠક યોજી હતી.

ત્રણ વર્ષ પહેલા શરૂ થયેલી આ સિંચાઈ યોજનાના લાભથી વાંકલ વિસ્તારના અનેક ખેડૂતો વંચિત રહ્યા હતા. ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈને ધારાસભ્ય વસાવાએ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી, જેના પરિણામે આ ગ્રાન્ટ મંજૂર થઈ છે.

વાંકલ પંચવટી કેન્દ્ર ખાતે યોજાયેલી બેઠકમાં સિંચાઈ વિભાગના અધિકારીઓ પ્રશાંત ભારતી અને નાયબ ઇજનેર પટેલે યોજના અંતર્ગત થનારી કામગીરીની વિસ્તૃત માહિતી આપી હતી. દરેક ગામમાંથી બે પ્રતિનિધિઓની નિમણૂક કરવામાં આવી છે અને સિંચાઈ પાણી સમિતિની રચના કરવામાં આવી છે.

ધારાસભ્ય વસાવાએ જણાવ્યું કે, ભવિષ્યમાં પણ ખેડૂતોની જરૂરિયાત મુજબ વધુ ગ્રાન્ટ ફાળવવામાં આવશે અને એક પણ ખેડૂત સિંચાઈના પાણીથી વંચિત ન રહે તે માટે પ્રયાસો કરવામાં આવશે. બેઠકમાં જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સભ્યો અને વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Back to top button