કાંઠા સુગરના રૂપિયા 90 કરોડ ઉપરાંતના નાણાં ડૂબવાના પ્રકરણમાં પ્રમુખ તરીકે માજી ધારાસભ્ય કિરીટ પટેલ બાદ હવે મિલના 14 ડિરેકટરોએ જિલ્લા સહકારી રજિસ્ટ્રારને ગુપચુપ ધોરણે રાજીનામા આપી દીધા

કાંઠા સુગરના રૂપિયા 90 કરોડ ઉપરાંતના નાણાં ડૂબવાના પ્રકરણમાં પ્રમુખ તરીકે માજી ધારાસભ્ય કિરીટ પટેલ બાદ હવે મિલના 14 ડિરેકટરોએ જિલ્લા સહકારી રજિસ્ટ્રારને ગુપચુપ ધોરણે રાજીનામા આપી દીધા છે. સુગર મિલ ડૂબાડનારાઓ એક પછી એક ડૂબતા જહાજમાંથી કુદવા માંડતા ખેડૂત સભાસદોના થાપણ અને બચતના રૂપિયા 20 કરોડ ઉપરાંત વર્ષ 2023-24માં શેરડી ભરાવાના રૂપિયા 13 કરોડ હવે કંઈ રીતે ચૂકવાશે એની ચિંતા ખેડૂતોમાં વ્યાપેલી જોવા મળી રહી છે.
એટલું જ નહીં આ સભાસદ ઉપરાંત સુગર મિલે એન.સી.બી.સી. પાસેથી લીધેલા રૂપિયા 40 કરોડની લોનની ચૂકવણી પણ અદ્ધર થઈ જવા પામી છે. સુગર મિલ સામે હાલમાં કલમ 86 હેઠળની તપાસ કરવામાં આવી રહી છે, જેમાં આર્થિક ગોટાળાનો પણ સમાવેશ થાય છે. જો કે, તપાસ કંઈ દિશામાં ચાલી રહી છે એ જ તપાસનો વિષય બની રહ્યો છે.મળેલી વિગત મુજબ સહકારી રજિસ્ટ્રારની કચેરી દ્વારા ચાલી રહેલી તપાસમાં આર્થિક વ્યવહારોની પૂરતી વિગત મળતી ન હોવાનું પણ બહાર આવ્યું છે.
જયારે હવે ડિરેકટરો દ્વારા રાજીનામા આપી દેવાતા ખેડૂતોના રૂપિયા અપાવવા માટે કોણ આગળ આવશે અને કંઈ રીતે આ તમામ પ્રશ્નોનું નિરાકરણ આવશે એની િચંતા પણ ખેડૂતોમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત ગત વાર્ષિક મિટિંગમાં મિલનું સંચાલન પ્રાઈવેટ ધોરણે આપવાની વિચારણા કરવામાં આવી હતી પરંતુ આ દિશામાં પણ કોણ કાર્યવાહી આગળ ધપાવશે એ પ્રશ્ન હાલ ઉપસ્થિત થયો છે. આ અંગે સહકારી રજિસ્ટ્રાર ધ્રવિન પટેલે જણાવ્યું હતું કે, રાજીનામા મળ્યા છે અને તેને સુગર મિલની તપાસ સાથે કોઈ નિસ્બત નથી.




