ડાંગ જિલ્લામાં ધવલીદોડ ચેકડેમ ઉંડો નહીં કરાતા 7 ગામમાં પાણીની સમસ્યા સર્જાવાની દહેશત
ધવલીદોડ નજીક 79 લાખના ખર્ચે ચેકડેમ નિર્માણ કરાયો હતો

ડાંગ જિલ્લામાં કોટબા જૂથ પાણી પુરવઠા વિભાગ હસ્તકની જૂથ પાણી યોજના અંતર્ગત અંદાજે 75 લાખના ખર્ચે બનેલ ચેકડેમને માટી ઉલેચી ઊંડો કરવાની કામગીરી નહીં કરાતા ભરશિયાળામાં તળિયું દેખાવા માંડતા પીવાના પાણીની સમસ્યા સર્જાવાની શકયતા વધી છે. ડાંગ જિલ્લામાં ધવલીદોડ ગામ નજીક પાણી પુરવઠા વિભાગ દ્વારા અંદાજે 79 લાખ ના માતબર ખર્ચે ચેકડેમ નિર્માણ કર્યો હતો, જેને વખતોવખત ચોમાસામાં આસપાસના વિસ્તારમાંથી માટીનો કાપ ધોવાણ થઈ ચેકડેમ પુરાઈ જતા પાણીની સંગ્રહ શક્તિ ઘટી હતી.
કોટબા જૂથ પાણી પુરવઠા અંતર્ગત 7 ગામને આવરી લેતી યોજનાનો ચેકડેમમાં ગત વર્ષે માટી ઉલેચી ઊંડો કરવાની કામગીરી નહીં કરતા હાલ ચોમાસું પૂર્ણ થવાના ગણતરીના દિવસોમાં જ ચેકડેમનું તળિયું દેખાતા 7 ગામોમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થવાની શક્યતા નકારી શકાતી નથી. અત્રે ઉલ્લેખનીય છેકે ગુજરાત નું ચેરાપૂંજી ગણાતું ડાંગ જિલ્લામાં વર્ષે 100 ઇંચ થી વધુ વરસાદ ખાબકે છે પરંતુ તેનું યોગ્ય આયોજન નહીં થતા પાણી નકામું વહી જાય છે.
આ સંદર્ભે પાણી પુરવઠા કાર્યપાલક ઈજનેર હેમંતભાઈ ધીમ્મરને ટેલિફોનિક સંપર્ક કરતા તેઓ સુરત વર્તુળની મિટિંગમાં હોય જવાબ આપ્યો ન હતો. ધવલી દોડ નજીક માટી ભરાઇ જતા ઓછું થઇ ગયેલું પાણી. પાણી પુરવઠાની બેદરકારથી સમસ્યા આહવા નજીકના ભીસ્યા અને ધવલીદોડના ચેકડેમની માટી ઉલેચવા અવારનવાર તંત્રને રજૂઆત કરવા છતાં ધ્યાને લેતા નથી. પાણી પુરવઠા વિભાગની બેદરકારીને પગલે લોકોને પીવાના પાણીની સમસ્યા ઉભી થાય છે. તંત્રએ લોકોની પ્રાથમિક જરૂરિયાત પીવાના પાણી માટે ગંભીર બની કામગીરી કરે તે જરૂરી છે. > રાકેશ પવાર, પ્રમુખ-આગેવાન, ડાંગ જિલ્લા યુવા કોંગ્રેસ




