ગુજરાતરાજનીતિ

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ભૂપેન્દ્ર પટેલ સરકારના બીજા કાર્યકાળનું ત્રીજું બજેટ રજૂ કર્યું

"હાલમાં ગુજરાતનું દેવું ચાર લાખ કરોડને વટાવી ગયું છે. 2024-25માં દેવું સવા ચાર લાખ કરોડ સુધી પહોંચશે અને આગામી બે વર્ષમાં તે 5.25 લાખ કરોડ સુધી પહોંચી શકે છે. આ બધા મોટા પડકાર છે." - ભૂતપૂર્વ નાણામંત્રી સુરેશ મહેતા

ગુજરાતના વર્ષ 2025-26ના બજેટનું કદ 3.70 લાખ કરોડનું છે. બજેટ સ્પીચમાં નાણામંત્રીએ ખેડૂતો, મહિલાઓ, વિદ્યાર્થીઓ માટે પણ વિવિધ યોજનાઓની જાહેરાત કરી છે.

બજેટની દરખાસ્ત પ્રમાણે પંડિત દિનદયાળ આવાસ યોજનામાં ગરીબોને 1.70 લાખ રૂપિયા સુધીની સહાય મળશે.

બજેટમાં શિષ્યવૃત્તિઓ માટે ₹4827 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને 10 જિલ્લામાં સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બાંધવાની જાહેરાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કનુભાઈ દેસાઈએ ગુજરાતનું બજેટ રજૂ કર્યું ત્યારે તેનું કદ રૂ. 3.32 લાખ કરોડનું હતું. ફેબ્રુઆરી 2024માં રજૂ થયેલા બજેટમાં 2047 માટે રોડમૅપ તૈયાર કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

પહેલી મે, 1960ના રોજ ગુજરાત મહારાષ્ટ્રથી અલગ થયું, ત્યારે તત્કાલીન મુખ્ય મંત્રીપદની સાથે-સાથે નાણા મંત્રાલય સંભાળતા ડૉ. જીવરાજ મહેતાએ રાજ્યનું પહેલું બજેટ રજૂ કર્યું હતું.

ભાજપના પીઢ નેતા વજુભાઈ વાળાએ અત્યાર સુધીમાં 18 વખત બજેટ રજૂ કર્યાં છે જે એક રેકૉર્ડ છે. બીજા નંબરે નીતીન પટેલે આઠ વખત બજેટ રજૂ કર્યાં છે.

તે વખતે નાણામંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં ત્રણ વર્ષથી સ્ટાર્ટ-અપ ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ સ્થાને છે.

રાજ્ય સરકાર ટેક્સ્ટાઇલ, કેમિકલ, ફાર્મા, ઑટોમોબાઇલ જેવા પરંપરાગત ઉપરાંત સેમિકન્ડક્ટર, ગ્રીન ઍનર્જી, ગ્રીન હાઇડ્રોજન અને ઈ-વાહન જેવાં આધુનિક ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને ઇન્ટરનેટ ઑફ થિંગ્સ જેવા ભવિષ્યલક્ષી ક્ષેત્રો દ્વારા ગુજરાતના યુવાનોને રોજગાર મળે તે માટે પ્રયત્નશીલ એમ તેમણે કહ્યું હતું.

આ ઉપરાંત સરકાર આઈટી, બીટી, ફિનટેક, નાણાકીય અને પ્રવાસનક્ષેત્રે રોજગાર વધારવા પ્રયાસ કરશે.

શહેરી વિકાસની ફાળવણીમાં 40 ટકાનો વધારો

ગુજરાતના આ વખતના બજેટની ખાસિયત એ છે કે આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઊજવવાની જાહેરાત કરવામાં આવી છે અને શહેરી વિભાગનું બજેટ 40 ટકા વધારીને ₹30325 કરોડ કરવામાં આવ્યું છે.

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે, રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓ માટે હાઇસ્પીડ કૉરિડૉર તેમજ ઍકસપ્રેસ વે વિકસાવવા માટે આ બજેટમાં કુલ ₹1020 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

“ગરવી ગુજરાત હાઇસ્પીડ કૉરિડૉર” પ્રોજેકટ હેઠળ 1367 કિલોમીટરના 12 નવા હાઇસ્પીડ કૉરિડૉર વિકસાવવામાં આવશે.

તેમણે કહ્યું કે, રાજ્યમાં બે નવા એક્સપ્રેસ-વે વિકસાવવામાં આવશે. બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડતા ડીસાથી પીપાવાવ રોડને “નમોશક્તિ ઍક્સપ્રેસ-વે” તરીકે વિકસાવવામાં આવશે.

આ ઉપરાંત અમદાવાદથી રાજકોટ અને તેના ઍક્સ્ટેન્શન દ્વારકા, સોમનાથ તથા પોરબંદર જેવા ધાર્મિક, પ્રવાસન સ્થળો અને બંદરોને જોડતાં “સોમનાથ દ્વારકા ઍક્સપ્રેસ-વે” તરીકે વિકસાવવામાં આવશે.

રાજ્યના બજેટની લોકો પર કેવી અસર પડે?

સામાન્યતઃ કેન્દ્ર સરકારના બજેટની દર વર્ષે ફેબ્રુઆરીમાં આતુરતાથી રાહ જોવાતી હોય છે, પરંતુ રાજ્યના બજેટ વિશે લોકોમાં એટલી બધી ઉત્કંઠા નથી હોતી.

રાજ્ય સરકારનું બજેટ શા માટે મહત્ત્વનું હોય છે અને લોકોને તે કઈ રીતે અસર કરે છે તે જાણવા માટે બીબીસીએ નિષ્ણાતો સાથે વાત કરી.

અમદાવાદસ્થિત અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહ માને છે કે કેન્દ્ર સરકારના બજેટ કરતાં પણ સામાન્ય લોકો માટે રાજ્ય સરકારનું બજેટ વધારે મહત્ત્વ ધરાવે છે. કારણ કે રાજ્ય સરકાર માળખાકીય યોજના, કલ્યાણકારી યોજના પર જે ખર્ચ કરે તેની સીધી અસર લોકો પર થતી હોય છે.

પત્રકારો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું, “ઘણા લોકોને માત્ર ઇન્કમટૅક્સમાં શું થયું અથવા જીએસટીમાં (ગુડ્સ ઍન્ડ સર્વિસીઝ ટૅક્સ) કેવા ફેરફાર થયા તે જાણવામાં રસ હોય છે, તેથી કેન્દ્રીય બજેટ પર નજર રાખતા હોય છે. પરંતુ રાજ્ય સરકારના બજેટથી જાણવા મળે છે કે કેન્દ્રની યોજનાઓને લાગુ કરવા માટે રાજ્ય સરકાર પાસે કેટલું ફંડ છે.”

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી સુરેશ મહેતાએ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું, “જીએસટી લાગુ થયા પછી સરકારની આવક કુદકે ને ભૂસકે વધતી જાય છે, પરંતુ રાજ્ય સરકાર કોઈ નાણાકીય શિસ્ત પાળતી નથી અને દેવું વધારતી જાય છે. તેના કારણે રાજ્યની નાણાકીય હાલત કથળતી જાય છે.”

તેમણે કહ્યું કે, “2012માં પંચવર્ષીય યોજનાઓ બંધ કરવામાં આવી અને નક્કી થયું કે દરેક વર્ષ માટે યોજના લાગુ કરવામાં આવશે. તેથી 2010-11 અને 2011-12ને બેઝ વર્ષ તરીકે લેવામાં આવે તો તે વખતે રાજ્યના બજેટનું કદ અનુક્રમે 29 હજાર કરોડ અને 37 હજાર કરોડ હતું. તેની સાઇઝ વધીને હવે 3.32 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે.”

ગુજરાત પર કેટલું દેવું ચઢી ગયું છે?કેશુભાઈ પટેલ સરકાર વખતે ગુજરાતના નાણા મંત્રી રહી ચૂકેલા સુરેશ મહેતાએ પત્રકારોને જણાવ્યું, “હાલમાં ગુજરાતનું દેવું ચાર લાખ કરોડને વટાવી ગયું છે. 2024-25માં દેવું સવા ચાર લાખ કરોડ સુધી પહોંચશે અને આગામી બે વર્ષમાં તે 5.25 લાખ કરોડ સુધી પહોંચી શકે છે. આ બધા મોટા પડકાર છે.”

તેમના કહેવા મુજબ મર્યાદા બહાર દેવું કરવાની નીતિના કારણે કૅગ દ્વારા સરકારની ટીકા કરવામાં આવી છે. 2005ના ફિસ્કલ રિસ્પૉન્સિબ્લિટી ઍક્ટના માળખાનો સંપૂર્ણ ભંગ કરવામાં આવે છે અને ગુજરાતમાં “કૅપિટલ સૅક્ટરની ગુલામી કરીને સામાજિક ક્ષેત્રની અવગણના થાય છે.”

જોકે, નૅશનલ કાઉન્સિલ ઑફ ઍપ્લાઇડ ઇકૉનૉમિક રિસર્ચના રિપૉર્ટ પ્રમાણે ગુજરાત સહિત માત્ર ચાર રાજ્યોએ ગયા વર્ષની તુલનામાં નીચો ડેટ-ટુ-જીએસડીપી રેશિયો નોંધાવ્યો છે. ફેબ્રુઆરી 2024ના બજેટ ડૉક્યુમેન્ટ પ્રમાણે ગુજરાત એ દેશમાં સૌથી ઓછું જાહેર દેવું ધરાવતાં રાજ્યો પૈકી એક છે.

ગુજરાતમાં શિક્ષણની ઉપેક્ષા, ખાનગી શાળાઓ પર આધાર

ઇકૉનૉમિક્સના ભૂતપૂર્વ પ્રૉફેસર અને વક્તા હેમંતકુમાર શાહ કહે છે કે, “ગુજરાતમાં આરોગ્ય અને શિક્ષણ માટે જરૂરિયાત કરતાં બહુ ઓછી રકમ ફાળવાય છે તે ચિંતાની વાત છે. જુલાઈ 2020માં રાષ્ટ્રીય શિક્ષણનીતિ જાહેર થઈ, ત્યારે તેમાં કહેવાયું હતું કે રાજ્યોએ પોતાના બજેટનાં 6 ટકા ખર્ચ કરવા જોઈએ.”

“આખા દેશની સરેરાશ ચાર ટકાની છે, જ્યારે ગુજરાત પોતાના જીડીપીના માત્ર 1.38 ટકા શિક્ષણ પાછળ ખર્ચે છે. તેના કારણે શાળાઓમાં હજારો શિક્ષકોની ઘટ છે, માળખાકીય સવલતો ગેરહાજર છે.”

શાહે જણાવ્યું, “ગુજરાતમાં જાહેર શિક્ષણની હાલત એવી છે કે 44 લાખથી વધુ બાળકો ખાનગી શાળાઓમાં ભણે છે. આરોગ્યક્ષેત્રે પણ આવી જ હાલત છે જેથી ડૉક્ટરો, નર્સ અને મશીનોની અછત છે.”

2017ની આરોગ્યનીતિ પ્રમાણે ગુજરાતે બજેટના 8 ટકા જેટલો ખર્ચ આરોગ્ય પાછળ કરવો જોઈએ, પરંતુ વાસ્તવમાં તેનાથી માંડ અડધો ખર્ચ થાય છે.

શાહ કહે છે, “રાજ્ય સરકારનું બજેટ રોજગારી માટે સરકાર શું કરવાની છે તે જાણવા માટે પણ જરૂરી છે. 2005ના મનરેગાના કાયદા મુજબ વર્ષમાં 100 દિવસની રોજગારી મળવી જોઈએ. આખા દેશમાં 52થી 55 દિવસની રોજગારીની ઍવરેજ છે જ્યારે ગુજરાતમાં વર્ષમાં મનરેગા હેઠળ માત્ર 47થી 48 દિવસ કામ મળે છે.”

બજેટમાં ગ્રામીણ બેકારીને દૂર કરવા માટે સરકાર આયોજન કરે તે જરૂરી છે. પ્રો. શાહે કહ્યું, “ગુજરાતમાં બેકારી અને અર્ધબેકારીના વિકરાળ પ્રશ્નો છે. બાંધકામ ઉદ્યોગ અને ખેતીમાં કામ કરવા માટે આદિવાસીપટ્ટાના લોકો સ્થળાંતર કરે છે.”

“રાજ્યના આદિવાસી પટ્ટામાં લગભગ એક કરોડ લોકો વસે છે અને તેઓ પોતાનાં બાળકો અને માતા-પિતાને ગામડે મૂકીને સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કામની શોધમાં માઇગ્રૅશન કરે છે. સરકારે આ લોકોને મનરેગા હેઠળ પોતાના ગામમાં જ કામ મળે તેવું કરવું જોઈએ.”

Related Articles

Back to top button