
દેડીયાપાડા તાલુકાના કનબુડી ગામમાં ઉનાળાની શરૂઆત સાથે જ કાચા ઘરોમાં આગ લાગવાની ઘટનાઓ ફરી વાર બની છે. ગઈકાલે રાત્રે 12:30 વાગ્યે ગામના સોમા વસાવા ના કાચા ઘરમાં અચાનક આગ લાગી, જેમાં આખું ઘર અને ઘરવખરીનો સમગ્ર સામાન બળીને ખાખ થઈ ગયો.
આગ લાગવાનું કારણ હજુ અજ્ઞાત છે, પરંતુ સ્થાનિક લોકોના પ્રયત્નો છતાં આગને નિયંત્રણમાં લઈ શકાઈ નહીં. ગામલોકો તરત જ મદદ માટે દોડી આવ્યા અને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગની જ્વાળાઓ ઝડપથી ફેલાતા ઘરને બચાવવું અશક્ય રહ્યું. આગમાં સોમા વસાવાના પરિવારનો બધો જ સામાન, ઘરેલુ સાધનો અને નિવાસનું ઘર નાશ પામ્યું.
ઘટનાની જાણ થતાં જીલ્લા પંચાયત સભ્ય હિતેશ વસાવા, તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ) અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારીએ મુળાકાત લઈ પરિસ્થિતિની તપાસ કરી. પીડિત પરિવારને તાત્કાલિક સહાય અને પુનર્વાસ માટે જરૂરી પગલાં લેવાની ચર્ચા થઈ.
આ ઘટનાથી ફરી એ વાત સ્પષ્ટ થાય છે કે ઉનાળા દરમિયાન કાચા ઘરોમાં આગ સુરક્ષા માટે સજાગતા જરૂરી છે. સ્થાનિક વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આગ સુરક્ષા માટે જાગૃતતા અભિયાન ચલાવવાની માંગ સ્થાનિકો તરફથી થઈ છે.





