ગુજરાતરાજનીતિ

હજારોની જનમેદની સાથે રોડ શો યોજ્યા બાદ પરત ફર્યા, આજે ભાજપ-કોંગ્રેસના 7થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં

કેન્દ્રીય ચૂંટણીપંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર એક જ દિવસે 7મી મેએ મતદાન થશે અને 4 જૂને મતગણતરી થશે. 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. ગઈકાલે રામ નવમીની રજા બાદ આજે ગુરૂવારે રાજ્યની બાકી રહેલી કેટલીક બેઠકો પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરશે. આજે અમરેલીથી ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાએ ફોર્મ ભર્યું હતું. તેમજ કોંગ્રેસમાં પાટણના ચંદનજી, ખેડા લોકસભા બેઠકના કાળુસિંહ ડાભી અને વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર, જૂનાગઢથી હીરાભાઈ જોટવા, આણંદથી અમિત ચાવડાએ ફોર્મ ભર્યું હતું. તો સી આર પાટીલ આજે ફોર્મ ભરવાના હતા પણ વિજયમૂર્હત ચુકી ગયા હતા. જેથી હવે કાલે ફોર્મ ભરશે. નવસારીમાં સી આર પાટીલની રેલી યોજાઈ હતી. જેમાં મહિલાઓ ગરબે ઘૂમી હતી. તેમજ ગીતા રબારીએ ગીત લલકાર્યા હતા.

આજે ક્યા ક્યા ઉમેદવારે ફોર્મ ભર્યું

  • ખેડા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના કાળુસિંહ ડાભી
  • પાટણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ચંદનજી ઠાકોર
  • અમરેલી બેઠક પરથી ભાજપના ભરત સુતરીયા
  • વડોદરા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના જસપાલસિંહ પઢિયાર
  • જૂનાગઢ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના હીરાભાઈ જોટવા
  • દાહોદ બેઠક પરથી કોંગ્રેસના ડો.પ્રભાબેન તાવિયાડ
  • આણંદ બેઠક પરથી કોંગ્રેસના અમિત ચાવડા
  • અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના હિંમતસિંહ પટેલ

નવસારી બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ હવે કાલે ફોર્મ ભરશે

નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર પાટીલ CM ભુપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના સમર્થકો સાથે મોટી સંખ્યામાં બાઇક રેલી યોજી હતી. નવસારીમાં આવેલા મધ્યસ્થ કાર્યાલયથી રેલીની શરૂઆત થઈ હતી. ફૂલોથી શણગારેલી ગાડીમાં પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતનાઓએ રેલી યોજી હતી. રેલીમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. મહિલાઓએ રેલીમાં ગરબે રમતી નજરે પડી હતી. તો ગીતા રબારીએ ગીતો લલકાર્યા હતા. રેલી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ વચ્ચે પાટીલ વિજયમૂર્હત ચુકી ગયા હતા. જેથી હવે તેઓ કાલે ફોર્મ ભરશે. હજારોની જનમેદની સાથે રોડ શો યોજ્યા બાદ પાટીલ પરત ફર્યા હતા.

જામનગરમાં ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું

જામનગર લોકસભા બેઠક પર ભાજપે સીટીંગ MP પૂનમબહેન માડમને રિપિટ કર્યા છે. ત્યારે આજે જામનગરના ઓશવાળ સેન્ટરમાં ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજવામાં આવ્યું હતું. સંમેલનમાં ભાજપના સ્ટાર પ્રચારક અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા. વિજય વિશ્વાસ સંમેલનમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના ધારાસભ્યો, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જયેશ રાદડીયા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જગદીશ મકવાણા અને ગોરધન ઝડફિયાએ પણ હાજરી આપી હતી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, લોકસભા ચૂંટણીમાં NDA 400 પારની લડાઈ લડી રહી છેં અને કોંગ્રેસ 40 પાર કરવા માટે સંઘર્ષ કરી રહી છે.

ખેડા લોકસભાના કોંગ્રેસના ઉમેદવારે વિજય મૂહુર્તમાં ફોર્મ ભર્યું

ખેડા જિલ્લામાં ચૂંટણીનું વાતાવરણ જામી રહ્યું છે. ખેડા લોકસભા બેઠક પરથી આજે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર કાળુસિંહ ડાભીએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ વિજય મૂહુર્તમાં નામાકંન પત્ર ભરી સુપ્રત કર્યું હતું. આ પહેલા વિજય સંકલ્પ સાથે સમર્થન રેલી પણ કાઢી હતી.

દાહોદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારે આજે ફોર્મ ભર્યું

દાહોદ લોકસભા બેઠકના ઇન્ડીયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર ડો.પ્રભાબેન તાવિયાડએ સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. દાહોદના પ્રસંગ પાર્ટી પ્લોટની બાજુમા વિજય વિશ્વાસ સભાને સંબોધ્યા બાદ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. કોગ્રેસની વિજય વિશ્વાસ સભામા મોટી સંખ્યામા આપ અને કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા.

આણંદ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ ફોર્મ ભર્યું

આણંદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ આજરોજ બપોરે વિજય મુહૂર્તમાં નામાંકનપત્ર ભર્યું હતું. તેમજ જંગી બહુમતીથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અમિત ચાવડા શહેરના લોટીયા ભાગોળ સ્થિત મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યાં બાદ પ્રચંડ શક્તિ પ્રદર્શન સાથે પદયાત્રા રેલી યોજી નામાંકનપત્ર ભરવા માટે કલેકટર કચેરી પહોંચ્યા હતા. આ રેલીમાં હજારોની સંખ્યામાં સમર્થકો જોડાયાં હતાં.

​​​​​​​વડોદરાના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું

વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારે આજે ગોત્રી ઇસ્કોન મંદિરથી કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી કાઢી ઉમેદવારીપત્ર ભર્યું હતું. રેલીમાં જોડાયેલા કાર્યકરો ઉમેદવારને ખભે બસાડી કલેક્ટર કચેરી સુધી લાવ્યા હતા. અહીં જશપાલસિંહે ફોર્મ ભર્યું હતું. રેલીમાં ભાજપથી નારાજ ક્ષત્રિય સમાજના લોકો પણ જોડાયા હતા. આ ઉપરાંત છોટાઉદેપુર લોકસભા બેઠકમાં આવતા પાદરા વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા હતા. ઢોલ-નગારા અને આતશબાજી સાથે નીકળેલી રેલીએ માર્ગોમાં આકર્ષણ જમાવ્યું હતું.

જૂનાગઢના કોંગ્રેસના ઉમેદવારે આજે ફોર્મ ભર્યું

જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ આજે ફોર્મ ભર્યું છે. જોકે, ફોર્મ ભરતા પહેલા તેઓએ ભવનાથ મહાદેવના દર્શન કર્યા હતા. જે બાદ સભા સંબોધી હતી. તેમજ રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા ગયા હતા. હીરાભાઈ જોટવાએ દોમડીયા વાડી ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સમર્થકોની ઉપસ્થિતિમાં સભા સંબોધી હતી.

આ તકે કોંગ્રેસના વિક્રમ માડમે જણાવ્યું કે, જૂનાગઢમાં જંગી રેલી કાઢવામાં આવી હતી. આ સરમુખત્યારી સરકાર, ભષ્ટ્રાચારી સરકારને હટાવવા માટેનો એક પ્રયત્ન છે ત્યારે જનતા પણ અમારી સાથે છે. ત્યારે હુ જનતાને ખાતરી આપુ છું કે જો તમે આ ઉમેદવારને જીતાડશો તો ચોક્કસ તમે એમાં ફાયદામાં રહેશો. બેકારી છે, મોંધવારી છે એક હથ્થુ શાસન છે. તાલુકા પંચાયતથી શરૂ કરીને દિલ્હી સુધી એક વ્યક્તિનું શાસન છે એક પાર્ટીનું નહી એક વ્યક્તિનું શાસન છે. હિન્દુસ્તાનની જનની ક્યારેય સરમુખત્યારીને સ્વિકારતી નથી.

પાટણના ચંદનજી ઠાકોરે ફોર્મ ભર્યું

પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ઉમેદવરી પત્ર ભરતા પહેલા ઘરે કુળદેવી માતાજીના દર્શન, પંચમુખી હનુમાન અને નગરદેવી કાલિકા માતાજીના દર્શન કર્યા હતા. ત્યારબાદ શહેરના કનસડા દરવાજા રંગીલા હનુમાન ખાતેથી ખુલ્લી જીપમાં બેસી સમર્થકો સાથે ભવ્ય રેલી યોજી હતી. પ્રગતિ મેદાનમાં સભા કરશે. ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ તકે પ્રગતિ મેદાનની સભામાં શક્તિસિંહ ગોહિલ તેમજ જગદીશ ઠાકોર સહિતના કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું

અમદાવાદ પૂર્વ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલે આજે ફોર્મ ભર્યું છે. ફોર્મ ભર્યું એ પહેલા હિંમતસિંહ પટેલે અંબાજી મંદિર ખાતે દર્શન કર્યા હતા. બાદમાં પોતાના નિવાસસ્થાનેથી ખુલ્લી જીપમાં હિંમતસિંહ નિકળી રેલી યોજી હતી. સુખરામનગરથી રખિયાલ, સારંગપુર, આસ્ટોડિયા થઈ લાલદરવાજા જિલ્લા પંચાયત ખાતે પહોંચ્યા હતા અને ફોર્મ ભર્યું હતું.

અમરેલી બેઠક પર ભાજપના ભરત સુતરીયાએ ફોર્મ ભર્યું

અમરેલી ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાએ આજે ફોર્મ ભરતા પહેલા રામજી મંદિર અને મહાદેવના દર્શન કર્યા હતા. લાઠીના ઝરખીયા ગામમાં ભરત સુતરીયાએ બળદ ગાડામાં બેસી ધાર્મિક મંદિરમાં પહોંચીને દર્શન કર્યા હતા. ઝરખીયા ગામમાં ભરત સુતરીયાએ માતા-પિતાના દર્શન કર્યા હતા. ભરત સુતરીયાએ રેલી યોજી હતી. ભરત સુતરીયાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું.

ખુલ્લી જીપમાં બેસી ભરત સુતરીયા, રૂપાલા સહિતનાઓ રેલીમાં જોડાયા

અમરેલી શહેરમાં ભાજપની ભવ્ય વિજય સંકલ્પ રેલી યોજાઈ હતી. ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા ઉમેદવારી પત્ર ભરવા જાય તે પહેલા ભાજપનુ શકિત પ્રદર્શન જોવા મળ્યું હતું. અમરેલીના રાજમાર્ગો પર કાર અને બાઈક સાથેની રેલી યોજાઈ હતી. જેમાં ભાજપ ઉમેદવાર ભરત સુતરીયા, રૂપાલા, દીલીપ સંધાણી તેમજ અમરેલીના તમામ પાંચ ધારાસભ્યો પણ રેલીમાં જોડાયા હતા. પરષોત્તમ રૂપાલા સહિતના નેતાઓએ ખુલ્લી જીપમાં સવાર થઈ લોકોનું અભિવાદન જીલ્યું હતું.

મંગળવારે ક્યા-ક્યા ઉમેદવારોએ ફોર્મ ભર્યું

  • ભાવનગર બેઠક પરથી ભાજપના નિમુબેન બાંભણીયા
  • પાટણ લોકસભા બેઠક પરથી ભાજપના ભરત ડાભી
  • ગાંધીનગર બેઠક પરથી કોંગ્રેસના સોનલ પટેલ
  • અમરેલી લોકસભા બેઠક પરથી કોંગ્રેસના જેની ઠુમ્મર
  • પંચમહાલ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ
  • છોટા ઉદેપુર બેઠક પરથી કોંગ્રેસના સુખરામ રાઠવા
  • ભાવનગરમાં ‘આપ’ના ઉમેદવાર ઉમેશ મકવાણા
  • કચ્છ બેઠક પરથી ભાજપના વિનોદ ચાવડા
  • કચ્છ બેઠક પરથી કોંગ્રેસના નિતેશ લાલણ
  • ખેડા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ
  • જૂનાગઢ બેઠક પરથી ભાજપના રાજેશ ચુડાસમા
  • પોરબંદર બેઠક પરથી કોંગ્રેસના લલિત વસોયા
  • મહેસાણા બેઠક પરથીભાજપના હરિ પટેલ
  • સાબરકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી
  • છોટા ઉદેપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર જશુ રાઠવા
  • બનાસકાંઠા ભાજપ પરથી ભાજપના રેખાબેન ચૌધરી
  • આણંદ બેઠક પરથી ભાજપના મિતેષ પટેલ
  • વલસાડ-ડાંગ બેઠક પરથી કોંગ્રેસના અનંત પટેલ
  • દાહોદ બેઠક પરથી ભાજપના જશવંતસિંહ ભાભોર
  • સાબરકાંઠા બેઠક પરથી ભાજપના શોભન બારૈયા
  • બારડોલી બેઠક પરથી ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા

મંગળવારે ભાવનગરમાં ભાજપના ઉમેદવારની સભામાં થયો હતો હોબાળો

ભાવનગરમાં લોકસભાના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાની સભામાં ક્ષત્રિય યુવાનોએ રૂપાલાનો વિરોધ નોંધાવ્યો હતો. હાથમાં કાળા વાવટા સાથે ક્ષત્રિય યુવાનો સભામાં પહોંચી ગયા હતા. એક બાજુ મનસુખ માંડવિયાની સ્પીચ ચાલુ હતી તો બીજી બાજુ ભારે હોબાળો મચ્યો હતો. ક્ષત્રિય યુવાનોએ સભામાં જ વિરોધ નોંધાવ્યો હતો. મનસુખ માંડવીયાની સ્પીચ દરમિયાન જ ક્ષત્રિય સમાજના તળાજા તાલુકાના આગેવાને રાજીનામું આપ્યું હતું.

રેલીમાં ટ્રેક્ટર ચલાવીને જેનીબેન ઠુમ્મરે ઉમેદવારી ફોર્મ ભર્યું

અમરેલી બેઠક ઉપર કોંગ્રેસના મહિલા ઉમેદવાર જેનીબેન ઠુમ્મરે મંગળવારે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. શક્તિ પ્રદશન માટે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉમટ્યાં હતા. જેનીબેન ઠુમ્મરે ઉમેદવારી પત્ર રજુ કરતા પહેલા જાહેર સભા યોજી હતી. ઉમેદવાર જેનીબેન ઠુમ્મર, પાલ આંબલીયા, પરેશ ધાનાણી, સિધ્ધાર્થ પટેલ, પુંજા ભાઈ વંશ, વિરજી ઠુમ્મર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અમરેલીના રાજમાર્ગો ઉપર જેની ઠુમ્મર ટ્રેકટર ચલાવીને વિશાળ રેલી સાથે કલેક્ટર કચેરીમાં ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ભારત માતાની વેશભૂષા ધારણ કરેલી બાળાઓ પણ રેલીમાં જોડાઈ હતી. તેમજ પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, વિરજી ઠુમ્મર સહિતના આગેવાનો સાથે રહ્યા હતા. જેની ઠુમ્મરે કલેક્ટર કચેરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમજ ડમી ઉમેદવાર તરીકે વીરજી ઠુમ્મરે ફોર્મ રજુ કર્યુ હતું.

સોમવારે કયા કયા ઉમેદવારોએ ફોર્મ ભર્યું

  • ભરૂચ બેઠક પરથી ભાજપના મનસુખ વસાવા
  • પોરબંદર બેઠક પરથી ભાજપના મનસુખ માંડવિયા
  • પંચમહાલ લોકસભા બેઠક પરથી ભાજપના રાજપાલસિંહ જાદવ
  • સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઋત્વિક મકવાણા
  • દમણ લોકસભા બેઠક પરથી ભાજપના લાલુભાઈ પટેલ
  • જામનગર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના જેપી મારવિયા
  • અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ભાજપના હસમુખ પટેલ
  • બારડોલી લોકસભા બેઠક પરથી કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી
  • સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી ભાજપના ચંદુભાઈ શિહોરા
  • બનાસકાંઠા લોકસભા બેઠક પરથી કોંગ્રેસનાં ગેનીબેન ઠાકોર
  • વલસાડ લોકસભા બેઠક પરથી ભાજપના ધવલ પટેલ

19 એપ્રિલ સુધી ફોર્મ ભરાશે

લોકસભાની સામાન્ય ચૂંટણીને લઇને ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જોકે ફોર્મ ભરવાના કુલ 8 દિવસમાંથી 3 દિવસ તો જાહેર રજાના છે. પરિણામે, ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોને ફોર્મ ભરવા માટે માત્ર 5 જ દિવસનો સમય મળશે. ફોર્મ ભરવાની શરૂઆત 12 એપ્રિલથી કરાઈ છે, જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ નક્કી કરાઇ છે. આમ, જુઓ તો ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો પાસે ફોર્મ ભરવા માટે 8 દિવસનો સમયગાળો હોવાનું જણાય છે, પરંતુ વચ્ચે 3 દિવસની જાહેર રજા આવે છે. સોમવારે ભાજપ-કોંગ્રેસના 10થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તેમજ મંગળવારે પણ કેટલાક ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જોકે, બુધવારે રામનવમીની જાહેર રજા હોઈ, બુધવારે કોઈ ફોર્મ ભરાયા ન હતા. આજે ગુરુ અને કાલે શુક્રવારે ફોર્મ ભરી શકાશે. શુક્રવાર 19 એપ્રિલ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે.

22 એપ્રિલે ચિત્ર સ્પષ્ટ થઈ જશે

લોકસભાની સામાન્ય અને વિધાનસભાની પેટાચૂંટણીમાં ઉમેદવારીપત્રક પરત ખેંચવાની છેલ્લી 22 એપ્રિલ છે. ત્યારે 22 એપ્રિલ સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે કે કેટલા અને કયા પક્ષના ઉમેદવારો ચૂંટણી લડવા મેદાનમાં ઊભા છે.

લોકસભા ચૂંટણી 2024ને લઇ ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો આજે 15 એપ્રિલથી ફોર્મ ભરવાની શરૂઆત કરવાના છે. કોંગ્રેસ ઉમેદવારો શક્તિપ્રદર્શન સાથે જિલ્લા સેન્ટરો પર ફોર્મ ભરવાના જશે. ફોર્મ ભરવા માટે પ્રદેશ નેતાઓ દરેક જિલ્લાનાં સેન્ટરો પર સાથે રહેશે. 15થી 18 એપ્રિલ સુધીમાં તમામ ઉમેદવારો ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરશે.

15થી 18 એપ્રિલ સુધીમાં કોંગ્રેસના તમામ ઉમેદવારો ફોર્મ ભરશે

15 એપ્રિલે બનાસકાંઠા, સુરેન્દ્રનગર, જામનગર અને બારડોલી લોકસભાના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. 16 એપ્રિલે કચ્છ, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પશ્ચિમ, અમરેલી, છોટાઉદેપુર, વલસાડ, પંચમહાલ અને પોરબંદરના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જે બાદ આજે 18 એપ્રિલે પાટણ, જૂનાગઢ, આણંદ, ખેડા, દાહોદ, વડોદરા, સુરતના ઉમેદવારો ફોર્મ ભરવા જશે.

વરિષ્ઠ નેતા ઉમેદવારી ફોર્મ ભરતી વખતે હાજર રહશે

કોંગ્રેસપક્ષના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરતી વખતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, અમિત ચાવડા, પરેશ ધાનાણી, રાજ્યસભાનાં સાંસદસભ્ય અમીબેન યાજ્ઞિક સહિત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ વિવિધ લોકસભા ક્ષેત્રમાં ઉમેદવારી ફોર્મ ભરતી વખતે હાજર રહેશે.

જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીએ ફોર્મ ભરાશે

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીનું સત્તાવાર રીતે સરકારી બ્યૂગલ ફૂંકાઈ ગયું છે. આદર્શ આચારસંહિતાની અમલવારી બાદ ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતની 26 લોકસભા બેઠક માટે ફોર્મ ભરવા શરૂ થઈ ગયા છે. જેમાં જે-તે જિલ્લા મેજિસ્ટ્રેટ (જિલ્લા ચૂંટણી અધિકારી)ની કચેરી ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

મતદાનના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થશે

ગુજરાતમાં ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત 12 એપ્રિલ એટલે કે ગઈકાલથી થઈ ગઈ છે. 19 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે. 20 એપ્રિલના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરાશે અને 22 એપ્રિલ સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. 7 મેના રોજ ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે.

Related Articles

Back to top button