પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીને આવ્યો હાર્ટ એટેક

ગુજરાત કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને હાર્ટ એટેક આવ્યો છે. મહારાષ્ટ્રના નાસિકમાં ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર, નાસિકની શ્રીજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા, જ્યાં તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી. જોકે, હાલ પરેશ ધાનાણીની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે.
2024ની લોકસભા ચૂંટણીમાં રાજકોટ સીટ હોટ સીટ બની ગઈ હતી. રૂપાલાની વિવાદાસ્પદ ટિપ્પણીથી રાજકોટમાં ક્ષત્રિયોનો ભારે વિરોધ જોવા મળ્યો હતો. જેના કારણે મોટો વિવાદ ઊભો થયો હતો. રાજકોટથી શરૂ થયેલો વિવાદ આખા ગુજરાતમાં પ્રસર્યો હતો. જો કે, ભારે વિવાદ બાદ રૂપાલાએ જાહેર મંચ પરથી ત્રણ વખત માફી માગી હતી. તેમ છતાં ગુજરાતમાં ઠેર-ઠેર વિરોધ જોવા મળ્યો હતો. રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ક્ષત્રિય સમાજનું આંદોલન શરૂ થયું હતું. જોકે ભારે વિરોધ છતા રૂપાલા મોટા અંતરથી ચૂંટણી જીત્યા હતા. 22 વર્ષ પછી પરેશ ધાનાણી અને રૂપાલા ચૂંટણીમાં સામ-સામે આવ્યા હતા. આ પહેલા 2002માં રૂપાલાને અમરેલી વિધાનસભાની ચૂંટણી હરાવીને જાયન્ટ કિલર બન્યા હતા.
ધીરુ ભગતના ઘરે 15મી ઓગસ્ટે જન્મ
પરેશ ધીરજલાલ ધાનાણીનો જન્મ 15 ઓગસ્ટ 1976ના રોજ અમરેલીમાં થયો હતો. પિતા અમરેલી જિલ્લા સહકારી બેંન્કમાં નોકરી કરતા અને સેવાભાવી સ્વભાવને કારણે ધીરુ ભગતના નામે જાણીતા હતા. સામાજિક સેવાની આ મૂડી પરેશ ધાનાણીને વારસામાં મળી, કદાચ એટલે જ વર્ષ 2000માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બી.કોમની ડિગ્રી મેળવ્યા પછી સમાજસેવાના હેતુ સાથે રાજકારણ તરફ આકર્ષાયા. રાજકોટમાં કોલેજકાળથી એનએસયુઆઈ સાથે જોડાઈ ગયેલા ધાનાણી વર્ષ 2001માં અમરેલી જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ બન્યા હતા.
2002માં રૂપાલાને હરાવી બન્યા જાયન્ટ કિલર
2002માં જ પ્રથમ વખત અમરેલીમાંથી વિધાનસભાની ચૂંટણી લડવાની તક મળી. મોદી સરકારમાં મંત્રી તરીકે રહેલા અને ત્રણ વાર જીતેલા પરસોત્તમ રૂપાલાને 16 હજાર મતોથી હરાવીને જાયન્ટ કિલર તરીકે જાણીતા થયા. અમરેલીનાં 70 જેટલાં ગામોમાં અડધોઅડધ વસતિ પટેલની છે, પણ તેમાંથી 90 ટકા લેઉઆ પટેલો છે, જ્યારે 10 ટકા કડવા પટેલો છે.
2002થી 2022 સુધી કઈ ચૂંટણી જીત્યા અને કઈ ચૂંટણી હાર્યા?
કડવા પટેલ રૂપાલા ભાજપની ‘વાણિયા-બ્રાહ્મણ વોટબેન્ક’ અને દિલીપ સંઘાણીના સહયોગથી જીતતા હતા, પણ યુવાન લેઉઆ ધાનાણી સામે અને કડવા-લેઉઆ રાજકારણમાં રૂપાલા અને સંઘાણી જેવા દિગ્ગજ નેતાઓ ટકી શક્યા નહોતા.
👉જોકે વચ્ચે 2007માં 4,000 મતોથી હાર જોવી પડી, કેમ કે અમરેલી બેઠક પાછી મેળવવા માટે ભાજપે દિલીપ સંઘાણીને ઉતાર્યા હતા.
👉ત્રીજી વાર 2012ની વિધાનસભા ચૂંટણીમાં ફરી દિલીપ સંઘાણીનો સામનો કરવાનો આવ્યો હતો, પણ આ વખતે હવે સંઘાણીને પણ પરેશ ધાનાણીએ 30,000 મતોથી હરાવી દીધા.
👉2017માં ભાજપમાં જોડાઈ ગયેલા બાવકુ ઉંધાડને હવે ભાજપે મેદાનમાં ઉતાર્યા પણ યુવા ધાનાણી હવે અનુભવી નેતા બની ગયા હતા. તેમણે ઉંધાડને 12,000 મતોથી હરાવ્યા એટલું જ નહીં, અમરેલીની પાંચેય બેઠકો અને સૌરાષ્ટ્રમાં 30માંથી 23 બેઠકો કોંગ્રેસને જિતાડવાનો જશ પણ ધાનાણીને મળ્યો.
👉ત્યાર બાદ કોંગ્રેસે તેમને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના નારણ કાછડિયા સામે ઉતાર્યા હતા. પરંતુ લોકસભામાં તેમનો 3 લાખ કરતાં વધુ મતથી પરાજય થયો.
👉જ્યારે 2022ની વિધાનસભા ચૂંટણીમાં ધાનાણીનો સામનો ભાજપના યુવા ઉમેદવાર કૌશિક વેકરિયા સામે થયો અને 46 હજાર મતથી પરાજયનો સામનો કરવો પડ્યો. આમ તેઓ છેલ્લી બે ચૂંટણીમાં પરાજિત થઈ ચૂક્યા છે.
ફેમિલીમાં કોણ છે?
જે વર્ષે પહેલી વિધાનસભા ચૂંટણી(2002) લડ્યા એ જ વર્ષે સાવરકુંડલાના પીઠવડી ગામે તેમના લગ્ન વર્ષાબેન સાથે થયા હતા. તેઓ સંસ્કૃતિ અને પ્રણાલી નામની બે પુત્રીઓના પિતા છે. ખેડૂત પુત્ર એવા ધાનાણીને ખેતી કરતાં પણ આવડે છે. માત્ર એટલું જ નહીં, ભેંસો પણ દોહી લે છે અને ભજિયાં પણ તળી જાણે છે.




