ભરૂચ

ભરુચના દહેજમાં મોટી દુર્ઘટના સર્જાઈ

GFL કંપનીના CMS પ્લાન્ટમાં વાલ્વ લીકેજ થયા બાદ દુર્ઘટના બની

દહેજની GFL કંપનીમાં ગેસ ગળતર થતાં ચાર કામદારોના મોત થયાં છે. કંપનીના CMS પ્લાન્ટમાં ઘટના બની છે. વાલ્વ લીકેજ થયા બાદ દુર્ઘટના બની હતી. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન કામદારોના મોત થયાં છે. દહેજ પોલીસે લાશનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના અંગે પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ગત રાત્રે સાડા નવ આસપાસ GFL કંપનીના પ્રોડક્શન વિભાગમાં આવેલ ક્લોરો મિથેઈલ પ્લાન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી રીસાઈકલ કોલમ ટોપ કન્ડેન્સર પાઈપ લાઈન કે જેમાં મિથાઈલ ક્લોરાઈડ, CT ક્લોરોફોમ અને HCL વેપર નામના ગેસનું મિશ્રણ પસાર થાય છે, તેમાં બે ગેસ પાઈપલાઈનમાંથી ગેસ લીકેજ થતાં કંપનીમાં કામ કરતા કર્મચારીઓને ગેસ લાગતા તેઓને પ્રાથમિક સારવાર કંપનીના OHC ખાતે આપી વધુ સારવાર માટે 7 એક્સ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે લાવેલા હતા. જ્યા આ કામદારોને ICUમાં દાખલ કરેલા હતા. જ્યાં સારવાર દરમિયાન કર્મચારીઓને ડૉક્ટરે મૃત જાહેર કર્યાં હતા.

મૃતકોના પરિવારજનને 25 લાખ વળતર રૂપે આપવાનું નક્કી કર્યુંઃ ડેપ્યુટી જનરલ મેનેજર

આ ઘટના અંગે GFL કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજર જીગ્નેશ પરમારે જણાવ્યું હતું કે, ગતરોજ રાત્રિના કંપનીમાં એક દુઃખદ બનાવ બન્યો છે જેમાં કંપનીના એક અને ત્રણ કોન્ટ્રાક્ટના કામદારોનું મૃત્યુ થયું છે જે ઘણી દુઃખદ ઘટના છે કંપની તરફથી આ લોકોને હાલમાં 25 લાખ વળતર રૂપે આપવાનું નક્કી કર્યું છે .વધુમાં વહીવટી તંત્ર દ્વારા જે નક્કી કરવામાં આવશે તે પ્રમાણે સહયોગ આપીને વળતર ચૂકવીશું. તપાસ માટે અમે પૂરો સહયોગ આપીશું. આ ઘટના કઈ રીતે બની તેને લઈને અમે પણ તપાસ હાથ ધરી દીધી છે.

ઘટનાની જાણ થતાં જ કાર્યવાહી હાથ ધરીઃ મનીષા મનાણી

SDM મનીષા મનાણીએ જણાવ્યું કે, ગત રાતે GFL કંપની ખાતે એક બનાવ બન્યો હતો. જેમાં ચાર લોકોના મોત થયાં છે. જેઓની લાશને પીએમ કરાવવા માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ચારેય મૃતકોના પરિવારજનો પણ અહિં હાજર છે. ગર્વમેન્ટને સવારે ઘટનાની જાણ થતાં જ કાર્યવાહી હાથ ધરી દીધી છે.

GFL ગેસ લીકેજની ઘટનામાં મૃતકોના નામ

1. રાજેશકુમાર સુરેશચંદ્ર મગણાદીયા ઉ.વ.48 રહે.બી-21.ધનિષ પાર્ક ત્રીમુર્તિ હોલ પાસે ભરૂચ

2. મહેશ નંદલાલ, ઉ.વ.25; હાલ રહે. રાજેન્દ્રભાઈ ગોહિલની કોલોનીમાં, અંભેટા.તા.વાગરા જિ.ભરૂચ; મુળ રહે. ગામ- કેન રામગઢ જિ.સોનભદ્ર (ઉત્તરપ્રદેશ)

3. સુચિતકુમાર સુગ્રિમ પ્રસાદ;  ઉ.વ.39; હાલ રહે. રાજેન્દ્રભાઈ ગોહિલની કોલોનીમાં, અભેટા, તા.વાગરા જિ.ભરૂચ; મુળ રહે.ગામ- કેન, રામગઢ જિ.સોનભદ્ર (ઉત્તરપ્રદેશ)

4. મુદ્રિકા ઠાકોર પ્રસાદ યાદવ;  ઉ.વ.29;  હાલ રહે. રાજેન્દ્રભાઈ ગોહિલની કોલોનીમાં તા.વાગરા જિ.ભરૂચ;  મુળ રહે.ગામ- વોર્ડ નં.૦૮ બેતરી પોસ્ટ અધોરા, થાના-ખરોગી (ઝારખંડ)

Related Articles

Back to top button