સુબિરના ગારખડી ગામની ગ્રામસભામાં હિસાબોના મુદ્દે માજી સરપંચ અને કાર્યરત તાલુકા પંચાયત સભ્ય વચ્ચે છુટ્ટા હાથે મારામારી

ડાંગ સુબિરનાં ગ્રુપ ગ્રામ પંચાયત ગારખડીમાં મળેલી ગ્રામસભામાં વિકાસકીય કામો બાબતે માજી સરપંચ અને પ્રતિનિધિ વચ્ચે ખુલ્લા હાથથી મારામારી સર્જાતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ગ્રુપ ગ્રામ પંચાયત ગારખડીમાં તાલુકા લાયઝન અધિકારી મંયકભાઈ, બીઆરએસ ભુપેન્દ્રભાઈ તથા તલાટી કમ મંત્રી નારાયણભાઈ ઠાકરેની ઉપસ્થિતમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રામસભામાં હાજર ગારખડી ગ્રુપ ગ્રામ પંચાયતના માજી સરપંચ બાલુભાઈ વળવીએ મુદ્દો ટાંકતા જણાવ્યુ હતુ કે ગ્રુપ ગ્રામ પંચાયતનું મકાન વર્ષ 2022-23માં મનરેગા યોજના અંતર્ગત મંજુર થયું હતુ. જે ગ્રામ પંચાયતનું મકાન આજદિન સુધી કેમ પૂર્ણ કરાયું નથી. વર્ષ 2022-23માં ધારાસભ્ય ફંડમાંથી મળેલ પાણીનાં ટેન્કરનો આજદિન સુધી હિસાબ મળ્યો નથી. જે પ્રશ્ન રજૂ કરતા ગ્રામસભા ઉગ્ર અને તોફાની બની હતી. જેમાં અહીં માજી સરપંચ દ્વારા રજૂ કરાયેલ બે પ્રશ્નોને લઈને તાલુકા પંચાયતનાં સદસ્યનાં પ્રતિનિધિ ઈશારામભાઈ રાજ્યાભાઈ બહીરમ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગ્રામસભામાં અધિકારીઓની ઉપસ્થિતમાં જ આ પ્રતિનિધિએ માજી સરપંચ સાથે ખુલ્લા હાથ વડે મારામારી કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અહી અધિકારીઓની ઉપસ્થિતમાં જ બે આગેવાનો વચ્ચે મારામારી થતા ચકચાર મચી ગઇ હતી.વધુમાં પાણીના ટેન્કરનાં હિસાબ સહિત આ મારામારીનાં બનાવનાં પગલે ગ્રામજનોએ ગ્રુપ ગ્રામ પંચાયત ગારખડીની ગ્રામસભાનો બહિષ્કાર કરતા હાલમાં તલાટી કમ મંત્રીએ તાલુકા વિકાસ અધિકારી સુબીરને રિપોર્ટ કરી વધુ તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.




