તાપી જિલ્લાના વ્યારા તાલુકા પંચાયતમાં થયેલા ડુપ્લીકેટ કામ બાબતે બે કોન્ટ્રાકટર વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો
આશ્રમશાળાઓમાં રેન વોટર હારવેસ્ટિંગ માટે ફળવાયેલા અંદાજે નવ જેટલા કામોમાં 44.95 લાખથી વધુની રકમની ઉચાપત

તાપી જિલ્લાના વ્યારા તાલુકા પંચાયતમાં થયેલા ડુપ્લીકેટ કામ બાબતે બે કોન્ટ્રાકટર વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટરો દ્વારા પ્રાયોજના વહીવટદાર દ્વારા અપાયેલી મંજૂરી અંતર્ગત આશ્રમ શાળામાં થયેલા રેન વોટર હારવેસ્ટિંગના જૂના કામોના ફોટા મૂકી ખોટા બિલો બનાવી નાણા લઈ લીધા હતા.
આ કોન્ટ્રાક્ટરો દ્વારા વર્ષ 2019થી 2023 દરમ્યાન આશ્રમશાળાઓમાં રેન વોટર હારવેસ્ટિંગ માટે ફળવાયેલા અંદાજે નવ જેટલા કામોમાં 44.95 લાખથી વધુની રકમ કામ કર્યા વગર જ જૂના કામના રંગરોગણ કરી ફોટા પાડી સરકારી નાણા ઉસેટી લીધા હતા. જે અંતર્ગત વ્યારા તાલુકા પંચાયતના ઇન્ચાર્જ અધિક મદદનીશ ઇજનેર દ્વારા વ્યારા પોલીસ મથકે ફરિયાદ અપાઈ હતી. જેમાં વ્યારાના બે કોન્ટ્રાકટર કે.એ.સોલંકી અને રાજુભાઈ હિંગડે વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
વ્યારા પોલીસ મથકે તાલુકા પંચાયતને ગેરમાર્ગે દોરી વિશ્વાસઘાત ઠગાઈ કરતા ગુનો દાખલ કરાયો છે. ગુનો નોંધી વ્યારા પોલીસે બંને કોન્ટ્રાક્ટરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ઉલ્લેખનીય છેકે, ગત દિવસો દરમ્યાન તાપી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આજ કેસમાં ડુપ્લીકેટ કામ પ્રકરણમાં ચાર જેટલા અધિક મદદનીશ ઈજનેરોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં હજુ ઘનિષ્ટ તપાસ કરવામાં આવે તો હજુ મોટા માથાઓ બહાર આવે એમ છે.



