વઘઇના ઘોડી ગામે પ્રા. શાળામાં મધ્યાહન ભોજનના રસોડામાં ગેસ લીકેજથી આગ

ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ઘોડી ગામે મધ્યાહન ભોજનના રસોડામાં ગેસ લીકેજ થવાથી આગે વિકરાળ સ્વરૂપ લેતા વિદ્યાર્થીઓને સલામત ખસેડી શિક્ષકો અને વઘઇ પોલીસે આગ પર કાબૂ મેળવ્યો હતો.
વઘઈ તાલુકાના ઘોડી ગામે આવેલ પ્રાથમિક શાળામાં સોમવારે બપોરે 12 કલાકે સ્કૂલના મધ્યાહન ભોજનના રસોડામાં ગેસ લીકેજ થવાથી આગ લાગી હતી અને શિક્ષકોએ વાયર સેફ્ટીના સાધનોથી આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો. આગે વિક્રાળ સ્વરૂપ ધારણ કરતા આગ ઓલવી શકાય ન હતી. જેથી શાળાના આચાર્ય વઘઇ શૈક્ષણિક કામ અર્થે ગયા હતા. તેમને શાળાના શિક્ષિકાએ આ ઘટના જણાવતા આચાર્ય ગમજ્યાભાઈ બાગુલ (ઉ.વ. 48, રહે. ઘોડી. વઘઇ)એ વઘઈ પોલીસે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સમયસૂચકતા વાપરી આગને ઓલવી દીધી હતી. આ ગેસના સિલિન્ડરમાંથી પસાર થતો ગેસ પાઇપ ગેસની સગડીના નોઝલ પાસે લીકેજ થવાથી આગ લાગી હતી. આગ દરમિયાન શિક્ષકોએ 120 વિદ્યાર્થીઓને શાળામાંથી બહાર કાઢી સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા હતા. સમયસર આગ પર કાબૂ મેળવી લેવાતા આફત ટળી હતી.



