માંડવી તાલુકાના ગોડધા ગ્રામ પંચાયતને “ટીબી મુક્ત પંચાયત-2024″નો એવોર્ડ મળ્યો

માંડવી તાલુકાની ગોડધા ગ્રામ પંચાયતને સુરત જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી “ટીબી મુક્ત પંચાયત-2024”નો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એવોર્ડ ગોડધા પંચાયતના સરપંચ શ્રી વિજયભાઈ ચૌધરી અને ગામના સમગ્ર સ્ટાફ, આરોગ્ય કર્મચારીઓ તથા લોકોની સંયુક્ત મહેનતની સફળતા સ્વરૂપે મળ્યો છે.
જિલ્લામાંથી 92 પંચાયત પસંદગીમાં ગોડધા સ્થાન
સુરત જિલ્લાની 522 ગ્રામ પંચાયતમાંથી માત્ર 92 પંચાયતને આ એવોર્ડ માટે પસંદગીમાં લેવામાં આવી હતી, જેમાંથી માંડવી તાલુકાની 30 પંચાયતને ટીબી મુક્ત જાહેર કરવામાં આવી છે. આમાં ગોડધા ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે.
એવોર્ડ સમારંભમાં જિલ્લા આરોગ્ય અધિકારીઓની હાજરી
આ એવોર્ડ સમારંભમાં જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી વસાવા, અન્ય વિભાગીય અધિકારીઓ, ગોડધા સબ સેન્ટરના મેડિકલ ઓફિસર શ્રી વાઘેલા, સ્ટાફ નર્સ, આશા વર્કર્સ, પંચાયત સભ્યો અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સરપંચ શ્રી વિજયભાઈ ચૌધરીને આ એવોર્ડ જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા સોંપવામાં આવ્યો, જે ગામના લોકો માટે મોટો ગૌરવનો વિષય બન્યો છે.
સરપંચ અને ગામલોકોની મહેનતને શ્રેય
ગોડધા ગામે ક્ષય રોગ (TB) નિવારણ અને નિયંત્રણ માટે ખૂબ જ સક્રિય પ્રયાસો કર્યા હતા, જેના પરિણામે આ એવોર્ડ મળ્યો છે. સરપંચ વિજયભાઈ ચૌધરીના નેતૃત્વમાં ગામના આરોગ્ય કર્મચારીઓ, આશા વર્કર્સ અને સ્થાનિક લોકોએ સામુહિક રીતે કામ કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે. આથી ગામમાં આનંદ અને ગર્વની લાગણી વ્યાપી છે.
આ એવોર્ડ ગોડધા ગામની સામાજિક-આરોગ્ય સેવાઓમાં થયેલી પ્રગતિનું પ્રતીક છે અને અન્ય ગ્રામ પંચાયતો માટે પ્રેરણાસ્ત્રોત બની શકે છે.




