ડાંગ

ડાંગ જિલ્લામાં ગ્રામ વિકાસ એજન્સીએ એક રિક્ષા દીઠ રૂ. 2.98 લાખ ખર્ચે 39 ઇ-રિક્ષા ખરીદી કરી

ડાંગ જિલ્લાની ગ્રામ વિકાસ કચેરી દ્વારા આહવા તાલુકાની ગ્રુપ ગ્રામ પંચાયતો માટે કચરા વાહતુક માટે કરોડો રૂપિયાનાં ખર્ચે ઇલેક્ટ્રીક વાહનોની ખરીદી કરી બુદ્ધિનું પ્રદર્શન કર્યુ છે. આ કચરા વાહતુકના ઇલેકટ્રીક વાહનો ઉપયોગી બનશે કે પછી કચરાની જેમ સડી જશે જે લોકાર્પણ કરાયા બાદ જ માલુમ પડશે.

100 ટકા આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં લોકો ચોમાસાની ખેતી પર નભતા હોય ચોમાસા બાદ રોજગારી મેળવવા અન્ય જિલ્લાઓમાં હિજરત કરતા હોય છે. ગામોમાં વિકાસ નહિવત હોવા છતાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ભીનો સુકો કચરાનાં નિકાલ માટે કરોડોના ખર્ચે ઇલેક્ટ્રીક રીક્ષા ખરીદી કરીને જિલ્લા પંચાયતનાં કેમ્પસમાં મુકતા અહીંથી પસાર થતા લોકોમાં આશ્ચર્ય ફેલાયુ છે, કેમકે ડાંગ જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારોમાં ઘરો ઢોળાવ-ડુંગરો પર છૂટાછવાયા હોય રોજિંદા લીલો-સુકો કચરો નીકળતો પણ ન હોય ત્યારે જિલ્લા ગ્રામ વિકાસ કચેરી દ્વારા માત્ર સરકારી ગ્રાન્ટનો દુરોપયોગ કરવા જ ઇલેક્ટ્રીક રીક્ષા ખરીદી હોવાની ચર્ચા જિ.પં. વર્તુળમાં ઉઠવાનો ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે.

હાલમાં આ તમામ નવીનકોર ઇલેક્ટ્રીક રિક્ષાઓ જિલ્લા પંચાયતનાં કેમ્પસમાં પાર્કિંગ કરી દેવામાં આવી છે ત્યારે આવનાર દિવસોમાં આ કચરા નિકાલની રિક્ષાઓનું લોકાર્પણ કરાનાર છે તેવામાં પ્રશ્ન એ ઉદભવે છે કે ગ્રુપ ગ્રામ પંચાયતનાં સરપંચો અને તલાટી કમ મંત્રીઓ દ્વારા ગ્રુપ ગ્રામ પંચાયતનાં મકાન સહિત અગાઉ અપાયેલ ટેન્કરોનું મેઇન્ટેનન્સ નથી કરી શકતા તો ઇલેક્ટ્રીક રીક્ષાનું મેઇન્ટેનન્સ કઈ રીતે કરશે તે અંગે અનેક પ્રશ્નાર્થ સર્જાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલ ગ્રામ પંચાયતોને સ્વભંડોળ ન હોય માત્ર સરકારી અનુદાન પર જ મદાર રાખવું પડે છે ત્યારે કરોડોનાં ખર્ચે ગ્રામ પંચાયતોને ફાળવેલ ઇલેક્ટ્રીક કચરા નિકાલની રિક્ષાને ગ્રુપ ગ્રામ પંચાયત કેવી રીતે નિભાવશે તે એક પ્રશ્ન છે. કેટલીક ગ્રુપ ગ્રામ પંચાયતો હાલ વિભાજીત થતા ત્યા વહીવટદાર દ્વારા જ કાર્યભાર થતો હોય સરકારી ગ્રાન્ટનો ગેરવહીવટ થયો હોવાનો રાજકીય વિશ્લેષકો કહીં રહ્યા છે.

સુકા અને ભીના કચરાનો નિકાલ કરવા મોટો પ્રયાસ છે

સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ -2 અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપન હેઠળ ઘરેથી નીકળતા સૂકા અને ભીના કચરાના નિકાલ તેમજ ગામોમાં ભરાતા હાટ બજારમાંથી નીકળા કચરાના યોગ્ય નિકાલ માટે તાલુકા પંચાયત પાસેથી દરખાસ્ત મેળવી કુલ 39 ઇ-રિક્ષાની GEM પ્રોટલ મારફત ખરીદી કરવામાં આવી છે. > વિપુલભાઇ પરદેશી, કો.ઓર્ડિનેટર, ગ્રામ વિકાસ એજન્સી, ડાંગ જિલ્લા

Related Articles

Back to top button