ડાંગના જિ.પંચાયત સભ્યએ આહવા ગ્રા.પં.ને પાલિકાનો દરજ્જો આપવા નાયબ મુખ્ય દંડકને લેખિત રજૂઆત કરી

ડાંગની આહવા ગ્રામ પંચાયતને પાલિકાની માન્યતા આપવા જિલ્લા પંચાયતનાં સદસ્ય હરીશ બચ્છાવે નાયબ મુખ્ય દંડકને લેખિતમાં રજૂઆત કરી હતી. ડાંગ જિલ્લાની આહવા ગ્રામ પંચાયતને નગર પાલિકાની માન્યતા આપવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિ. પં.ના ખેતી ઉત્પાદન, સહકાર અને સિંચાઇ સમિતિના અધ્યક્ષ તથા જિલ્લા સદસ્ય હરેશભાઈ બચ્છાવે ડાંગના ધારાસભ્ય વિજય પટેલને લેખિતમાં રજૂઆત કરી હતી. આહવા ગ્રા. પં.માં અંદાજીત 12,000 મતદારો છે અને મકાનો 8000 જેટલી છે.
આહવા નગરની વસતી 22,000 જેટલી થાય છે ત્યારે સુવિધાઓના અંદાજથી આહવા ગ્રામ પંચાયતની આવક અને વિકાસ કામોની સરખામણી કરતા આહવાને ગ્રામ પંચાયત પૂરતી સુવિધા માટે જરૂરી જોગવાઇ ઓછી પડે છે. ગામના રોડ, રસ્તા, પાણી, લાઈટ જેવી મૂળભૂત જરૂરિયાતની કામગીરી કરવા ગ્રામ પંચાયત પાસે કોઈપણ બીજા ચોક્કસ આવકના સ્ત્રોત નથી. આ માટે તાલુકા-જિલ્લા પંચાયત પાસે કામગીરી કરાવાની થાય છે. આહવામાં મકાનો પર ટાઉન પ્લાનિંગ કે મંજૂરીના અભાવના કારણે આહવામાં સોસાયટીનો વિકાસ, વ્યક્તિગત મકાન સહાય મર્યાદિત છે.
જો આવા કિસ્સામાં આહવા નગરપાલિકા થાય તો આહવા નગરના રહેવાસીઓને મકાનની લોન મોર્ગેજ ન હોવાના કારણે મળતી નથી. મકાનના અંદાજે વેરાની વસૂલાત અનિયમિત હોય તેમજ જરૂરીયાતના માપમાં આવક થતી ન હોવાના કારણે સ્થાનિક વિકાસ રૂંધાય છે. જો નગરપાલિકા થાય તો ટાઉન પ્લાનિંગથી ગામના રોડ, રસ્તા, પાણીની સારી સુવિધા મળી શકે એમ છે. ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના મુખ્ય મથક નગરપાલિકા કે મહાનગરપાલિકામાં છે અને ફક્ત ડાંગ જ એવો જિલ્લો છે કે, જ્યાં ફક્ત ગ્રામ પંચાયત છે.
આહવા નગરમાં જિલ્લાની તમામ કચેરીઓ આવી તેમજ સરકારી કર્મચારીઓ અવારનવાર જિલ્લાની મુલાકાત લેતા રાજકીય આગેવાનો તેમજ વરિષ્ઠ અધિકારીઓની પણ જિલ્લામાં અવરજવર વધારે હોય છે. આવા કિસ્સાઓમાં આહવા નગરને નગરપાલિકા થાય, સારી સુવિધા થાય તો આહવા નગર પણ નગરપાલિકાથી સુશોભિત થશે. આહવાને નગરપાલિકાનો દરજ્જો મળે તે હેતુથી ડાંગ જિ.પં.ના ખેતી ઉત્પાદન, સહકાર અને સિંચાઇ સમિતિના અધ્યક્ષ તથા સદસ્ય હરેશભાઈ બચ્છાવે ડાંગ ધારાસભ્ય વિજય પટેલને આવેદનપત્ર પાઠવ્યું હતું.



