ગુજરાત

નકલી ED ટીમ મામલે હર્ષ સંઘવી અને ઇટાલિયા સામસામે

2 ડિસેમ્બર 2024ના રોજ કચ્છમાં એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ED)ની નકલી ટીમે જ્વેલર્સ પેઢીને ત્યાં દરોડો પાડી 25 લાખથી વધુની ઉઠાંતરી કરી હતી. આ ટીમમાં ભુજના એક પત્રકાર, અમદાવાદની એક મહિલા સહિત 13 આરોપીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જોકે, આ મામલો સામે આવ્યા બાદ પોલીસ દ્વારા 12 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે એક આરોપી હજુ ફરારા છે. ત્યારે આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક્સ (X) પોસ્ટ પર ટ્વીટ કરવામાં આવ્યું છે. જેમાં તેમણે નકલી ED ટીમના મુખ્ય આરોપી અબ્દુલસતારને આમ આદમી પાર્ટીનો નેતા ગણાવ્યો હતો.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પોસ્ટ પર ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું કે, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનું વધુ એક પરાક્રમ સામે આવ્યું છે. ગુજરાતમાં પાર્ટીના નેતાએ EDની નકલી ટીમ બનાવી અને તેનો કેપ્ટન બની લોકોને લૂંટ્યાં. કચ્છમાં ઝડપાયેલી EDની નકલી ટીમનો કમાન્ડર ગુજરાત આમ આદમી પાર્ટીનો નેતા નીકળ્યો. આ છે કેજરીવાલના ચેલાની કરતૂતનો ખરો પુરાવો.

 

ત્યાર બાદ આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને પાટીદાર આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર ગોપાલ ઇટાલિયાએ એક્સ પોસ્ટ પર ટ્વીટ કરી જણાવ્યું હતું કે, હર્ષ સંઘવી ભાગે નહીં, ભાગતા નહીં… ટીવી પાછળ છુપાઈને ટ્રોલ સેનાની જેમ ટ્વીટ ટ્વીટની રમત કરવાને બદલે ગૃહમંત્રીને છાજે એમ સામી છાતીએ ચર્ચા કરવા હાલ્યા આવો. કચ્છની નકલી ED મુદ્દે આમ આદમી પાર્ટીને Expose કરવા હર્ષ સંઘવી જાહેરમાં ડિબેટ કરવાના સમય સ્થળની જાણ કરે.

શું છે સમગ્ર મામલો?

અત્રે મહત્ત્વનું છે કે નકલી ઈડી મામલે અમદાવાદની રેલવે ડીઆરએમ ઓફિસમાં ટ્રાન્સલેટરની ફરજ નિભાવતા એક શખસે પોતાનું ખોટું ઇડીનું આઇડીકાર્ડ બનાવીને 13 લોકોની ટીમ બનાવી અલગ અલગ કામ સોંપીને ગાંધીધામના એક જવેલર્સને ત્યાં દરોડો પાડવાનું તરકટ રચ્યું હતું. ત્યાર બાદ એક મહિલા આરોપીએ જવેલર્સ પેઢીના માલિકોનું ધ્યાન ચૂકવીને 1 સોનાનું બિસ્કિટ, 6 સોનાના લેડીઝ બ્રેસ્લેટ પોતાના બેગમાં સરકાવી દીધાં હતાં. ત્યાર બાદ આ લોકો ત્યાંથી ફરાર થઇ ગયા હતા, પરંતુ તેમણે કરેલી કેટલીક ભૂલોથી તેમની સાચી ઓળખ છતી થઈ ગઈ હતી. બે દિવસની મહેનત બાદ પૂર્વ કચ્છ પોલીસની એલસીબી અને એ ડિવિઝન પોલીસે નકલી ઇડી ટીમના 13માંથી 12 આરોપીને ઝડપી પાડયા હતા. ઝડપાયેલા આરોપીઓને નામ. અધિક ચીફ જયુ. મેજિ. કોર્ટ ગાંધીધામ ખાતે આજરોજ 14 દિવસના રિમાન્ડની માગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે સરકારી વકીલ બીએચ પટેલની રજૂઆતોને ધ્યાનમાં રાખીને આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ઝડપાયેલા આરોપીઓનાં નામ

(1) ભરતભાઈ શાંતિલાલ મોરવાડિયા, ગાંધીધામ

(2) દેવાયત વિસુભાઈ ખાચર, અંજાર

(3) અબ્દુલસતાર ઈશાક માંજોઠી, ભુજ

(4) હિતેશભાઈ ચત્રભુજ ઠક્કર, ભુજ

(5) વિનોદ રમેશભાઈ ચૂડાસમા, ભુજ

( 6) ઇયુઝીન અગસ્ટીન ડેવિડ, અંજાર

(7) આશિષ રાજેશભાઈ મિશ્રા, અમદાવાદ

(8) ચન્દ્રરાજ મોહનભાઈ નાયર, અમદાવાદ

(9) અજય જગન્નાથ દુબે, અમદાવાદ

(10) અમિત કિશોરભાઈ મહેતા, અમદાવાદ

(11) શૈલેન્દ્ર અનિલકુમાર દેસાઈ, અમદાવાદ

(12 ) નિશા વા/ઓ અમિત કિશોરભાઈ મહેતા, અમદાવાદ

આરોપીઓ પાસેથી શું શું જપ્ત કર્યું?

આ કેસમાં પોલીસે

1. 100 ગ્રામ વજનનું રૂ. 7.80 લાખનું સોનાનું બિસ્કિટ,

2. સોનાનાં લેડીઝ બ્રેસ્લેટ નંગ-6 રૂ. 14 લાખ 47 હજાર,

3. EDનું નકલી આઈકાર્ડ,

4. 2.25 લાખના 13 મોબાઈલ ફોન.

5. રૂ.7.50 લાખની મહિન્દ્રા XUV500 કાર નંબર GJ-01-RL-8025,

6. રૂ.8 લાખની મહિન્દ્રા બોલેરો નિયો, કાર નંબર GJ-12-FB-5251,

7. રૂ 5 લાખની રેનોલ્ડ ડસ્ટર રજિ.નં- GJ-12-BR-8081,

8. રૂ. 50 હજારની હોન્ડા એક્ટિવા રજિ.નં- GJ-12-DD-3776 મળી કુલ .

9. રૂ. 45.82 લાખ 206નો મુદ્દામાલ કબજો લીધો હતો.

આરોપીનો ગુનાહિત ઈતિહાસ

ભુજનો પત્રકાર અબ્દુલસતાર ઈશાક માંજોઠી વિરુદ્ધ અગાઉ જામનગર જિલ્લાના પંચકોશી પોલીસ સ્ટેશનમાં ખંડણી સાથે હત્યાનો ગુનો તથા ભુજ સિટી પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશનો ગુનો દાખલ થયેલા છે.

Related Articles

Back to top button