વિધાનસભા ચૂંટણીમાં બળવો કરનારા હર્ષદ વસાવા ફરી ભાજપમાં જોડાયાં
નાંદોદના વર્તમાન મહિલા ધારાસભ્ય સામે અપક્ષ ઉમેદવારી કરી હતી

ભાજપના બળવો કર્યાના એક વર્ષ બાદ પૂર્વ સંસદીય સચિવ અને ગુજરાત આદિજાતિ મોરચાના અધ્યક્ષ હર્ષદ વસાવા ફરી એકવાર ભાજપમાં જોડાય ગયાં છે. વિધાનસભાની ચૂંટણીમાં તેમણે બળવો કરી વર્તમાન ધારાસભ્ય દર્શના દેશમુખ સામે ઉમેદવારી કરતાં તેમને તથા તેમના સાથીદારોને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવાયા હતાં.
નર્મદા જિલ્લાના નાંદોદ વિધાનસભા વિસ્તારમાંથી 2000 થી વધુ લોકો ભાજપમાં જોડાવા 6 બસો અને 100 થી વધુ નાની મોટી ગાડીઓ ભરીને અમદાવાદ કમલમ ખાતે પહોંચ્યા હતા. અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ના હસ્તે ખેસ પહેરી ભાજપ માં પુનઃ પ્રવેશ કર્યો હતો. નાંદોદના પૂર્વ ધારાસભ્ય અને આદિજાતિ મોરચાના અધ્યક્ષ હર્ષદ વસાવાએ દોઢ વર્ષમાં જ ભાજપમાં પુન: પ્રવેશ કરી લીધો છે. વર્તમાન ધારાસભ્ય સામે બળવો કરી હર્ષદ વસાવાએ શકિત પ્રદર્શન સાથે ઉમેદવારી કરી હતી. તેમની સાથે પૂર્વ જિલ્લા પ્રમુખ ઘનશ્યામ દેસાઇ સહિતના આગેવાનોને ભાજપમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. બળવો કરનારા તમામને ફરી પક્ષમાં લઇ લેવામાં આવ્યાં છે.




