સુરત

કામરેજના ધોરણ પારડી ગામ નજીક ST બસ અને કેમિકલ ભરેલ ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો

10 લોકોને નાની-મોટી ઈજાઓ થઈ

કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામ નજીક આજરોજ બપોરના સમયે ST બસ અને કેમિકલ ભરેલ ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેને પગલે સરકારી બસમાં સવાર 10 લોકોને નાની-મોટી ઈજાઓ થતા. તેઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક થઈ ગયો હતો. સદનસીબે કોઈ મોટી જાનહાનિના સમાચાર મળ્યા ન હતા.

સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે પર સતત અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજરોજ વધુ એકવાર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામ નજીક સરકારી બસ પસાર થઈ રહી હતી. તે દરમિયાન એક કાર ચાલકને બચાવવા જતાં સરકારી બસ ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. સામેના ટ્રેક પર ઘુસી કેમિકલ ભરેલ ટેન્કર સાથે અથડાઇ હતી. જેને લઇને સરકારી બસમાં સવાર મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. 10 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. સમગ્ર ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સને કરવામાં આવતા 108ની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગઈ હતી. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક થઈ ગયો હતો. સ્થળ પર સ્થાનિક પોલીસ અને NHAI વિભાગની ટીમે પહોંચી હતી. ટ્રાફિક હળવો થાય એ દિશામાં કામગીરી હાથ ધરી હતી. જોકે અકસ્માતની ઘટનામાં મોટી જાનહાનિ ના સમાચાર ન મળતા હાજર સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button