વ્યારાના 72 જેટલાં ગામના ખેડૂતોના ખેતરમાં સિંચાઈના પાણી પુરા પાડતી ઉકાઈ હાઈ લેવલ કેનાલ ઝાડી-ઝાંકરાથી ઘેરાઇ

સોનગઢ અને વ્યારા તાલુકાના 72 જેટલાં ગામના ખેડૂતોના ખેતરમાં સિંચાઈના પાણી પુરા પાડતી ઉકાઈ હાઈ લેવલ કેનાલમાં ઘણે ઠેકાણે ઝાડી ઝાંકરા ઊગી નીકળ્યાં હોય કેનાલમાં વહેતાં પાણીમાં અવરોધ ઉભો થઇ રહ્યો છે. આ કેનાલની સાફ સફાઈ કરાવવામાં આવે તેવી માંગ ખેડૂતો એ કરી હતી.
સોનગઢ અને વ્યારા તાલુકામાં ખેતી કરતાં ખેડૂતો સિંચાઈના પાણી મળી ન શકવાના કારણે મોટે ભાગે આકાશી ખેતી કરતાં આવ્યાં છે. આ બાબત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ધ્યાને આવતાં તેમણે સોનગઢ અને વ્યારા તાલુકાના ગામડાંમાં સિંચાઈના પાણી મળી રહે તે માટે ઉકાઈ હાઈ લેવલ યોજના મંજૂર કરી હતી. આ યોજના માંડ માંડ બાર વર્ષે સને 2014માં પૂર્ણ થઈ હતી. જો કે કેનાલના કામ બાબતે ત્યારે પણ ઘણી ફરિયાદ ઉભી થઇ હતી અને આજે પણ ફરિયાદ ઉભી જ છે. આ કેનાલ સોનગઢ તાલુકાના અગાસવાણ ગામ પાસેથી પસાર થાય છે એ સ્થળે કેનાલની ઊંડાઈ ઘણી વધારે છે જેથી ત્યાં નિયમ મુજબ કેનાલની આસપાસનું બાંધકામ કરવામાં આવ્યું નથી એ નરી આંખે દેખાઈ રહ્યું છે. આ સ્થળ અને તેની આસપાસના વિસ્તારમાં પણ કેનાલની સાફ સફાઈ યોગ્ય રીતે કરવામાં આવતી ન હોવાના કારણે કેનાલની બંને તરફ ઘાસ, વેલ અને બિનજરૂરી વેલા ઊગી નીકળ્યાં છે અને એ કેનાલના વહેતાં પાણીમાં અવરોધ ઉભો કરી રહ્યાં છે. ચોમાસા બાદ કેનાલની યોગ્ય રીતે સાફ સફાઈ ન થતાં સિંચાઈના હાલમાં પૂરતા પ્રમાણમાં પાણી મળતાં નથી. એક તો પહેલા થી જ કેનાલમાં ઓછાં દબાણ સાથે સિંચાઈના પાણી આપવામાં આવે છે અને તેમાં વળી આ ઝાડી ઝાંકરા ને કારણે ખાસ કરીને વ્યારા તાલુકાના ગામડાંમાં પૂરતા પ્રમાણમાં પાણી પહોંચતા નથી. હાલ ખેડૂતો શિયાળુ પાક લેવાની તૈયારી કરી રહ્યાં છે ત્યારે અગાસવાણ અને તેની આસપાસના વિસ્તાર માંથી પસાર થતી હાઈ લેવલ કેનાલની સફાઈ કરાવાય તેવી માંગ વ્યારા તાલુકાના ચીખલી અને અન્ય ગામના ખેડૂતોએ કરી છે.




