વ્યારાના ધારાસભ્ય મોહન કોંકણીના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ 2023નો શુભારંભ

રાજયના ખેડૂતોનું કૃષિ ઉત્પાદન વધારવા, નવી તાંત્રીકતા ખેડુતો સુધી પહોંચાડવા, વૈજ્ઞાનિકો દ્વારા સીધુ ખેડુતોને માર્ગદર્શન આપવા, ખેતી ખર્ચ ઘટાડવા, આવક વધારવા જેવા ઉદ્દેશો સાથે સૌપ્રથમ વર્ષ-2005-06માં કૃષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આ વર્ષે પણ સમગ્ર ગુજરતમાં ખેડૂતોને માર્ગદર્શન મળે તે માટે તમામ 248 તાલુકાઓમાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે.
તાપી જિલ્લાના વ્યારા તાલુકા કક્ષાનો બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ ડો.શ્યામાપ્રસાદ ટાઉનહોલ વ્યારા ખાતે ધારાસભ્ય મોહન કોંકણીના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહની ઉપસ્થિતિમાં ખુલ્લો જાહેર કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય મોહન કોંકણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતોને પગભર બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. જેના કારણે આજના ખેડુતો ચીલાચાલુ ખેતીથી કંઇક અલગ નવી ખેતી પધ્ધતિ, આધુનિક ઢબે ખેતી કરતા થયા છે અને સૌને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, સરકારે આ વર્ષને મીલેટ્સ વર્ષ તરીકે ઉજવી રહ્યુ છે. ત્યારે આપણે સૌએ મીલેટ્સ ધાન્યનો ઉપયોગ કરીએ, આપણા શરીરને સ્વસ્થ રાખીએ, ખેડુતોની આવક બમણી થાય તે માટે આધુનિક અને વૈજ્ઞાનિક પધ્ધતિથી ખેતી કરતા થાય તે જરૂરી છે.
તમામ ખેડૂતો અહીંયાથી આપવામાં આવતા કૃષિલક્ષી જ્ઞાનનું ભાથું લઇ પોતાની ખેતીમાં તેનો અમલ કરી ઝેરમુક્ત ખેતી અને ઝેરમુક્ત ઉત્પાદન કરતા થાય તેવી ધારાસભ્યએ આશા વ્યકત કરી હતી.
આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના મુખ્ય અધિકારી સી.ડી. પંડ્યાએ અન્ન મિલેટ્સ અંગે વિસ્તુત જાણકારી આપતા જણાવ્યું હતું કે, આપણી જીવનશૈલી બદલી મિલેટ્સને આપનાવીશું તો આપણને સ્વાસ્થ્યલક્ષી ઘણા લાભો થશે.
પ્રાસંગિક પ્રવચન અપાતા જિલ્લા ખેતીવાડી અધિકારી ચેતન ગરાસિયાએ રવિ કૃષિ મહોત્સવ-2023 અંતર્ગત ચાલનાર આ દિવસીય રવિ મહોત્સવ અને સેવાસેતુ કાર્યક્રમ તથા પશુ આરોગ્ય મેળા અંગે વિસ્તુત જાણકારી હતી. કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેતી ખર્ચના ઘટાડા, ખેતી પાકોમાંથી ઇથેનોલનું ઉત્પાદન, બાગાયત પાકો અંગે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતુ.
તાપી જિલ્લાના સફળ ખેડૂત પ્રતીક ચૌધરી અને સુરેશ ગામીતે પોતે કરેલી પ્રકૃતિક ખેતી અને તેના દ્વારા થયેલા ફાયદાઓ અંગે જાણકારી આપી હતી. તેમને સૌ ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી કરવા અનુરોધ કર્યો હતો. આ સાથે અમદાવાદના દસક્રોઈ તાલુકાના પીરાણા ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જીવંત પ્રસારણને નિહાળીને રાજ્યવ્યાપી ‘રવી કૃષિ મહોત્સવ-2023’ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. સાથે સાથે કૃષિ ફિલ્મ પણ નિહાળવામાં આવી હતી.
આ ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે બેસ્ટ ફાર્મર એવોર્ડ, ખેતીવાડી/ બાગાયત/ પશુપાલન ખાતાની યોજનાઓના મંજુરી પત્રો, ખેડૂતનું સન્માન, ચેક/ પેમેન્ટ ઓડર વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ બાદ ઉપસ્થિત તમામ મહાનુભાવો સહિત ખેડુતમિત્રોએ પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોના સ્ટોલ સહિત વિવિધ વિભાગોના પ્રદર્શની સ્ટોલ નિહાળ્યા હતા.
નોંધનીય છે કે, આજે રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત સેવાસેતુ કાર્યક્રમના સ્ટોલ નિદર્શન અને પશુ પાલન શાખા દ્વારા પશુ સારવાર કેમ્પનુ પણ તાલુકા વાર આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે વ્યારા તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખઓ, તાપી જિલ્લા ઇંચાર્જ અધિક નિવાસી કલેકટર સાગર મોવલીયા, નાયબ બાગાયત અધિકારી તુષાર ગામીત, વ્યારા મામલતદાર એચ.જે.સોલંકી, લીડ બેંક મેનેજર રસિક જેઠવા, જિલ્લા ખેતીવાડી-બાગાયત, કેવિકે વિભાગના અધિકારી કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ખેડુતમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.




