તાપી

સોનગઢના ઓટા ચાર રસ્તા પાસે સર્વિસ રોડ પર અંદાજિત એક ફૂટ ઊંડા ખાડા

સોનગઢ નગરમાં પ્રવેશ કરતી વેળા અને વ્યારા તરફ જવા માટે ઉપયોગમાં આવતો હાઇવેના સર્વિસ રોડ પર અંદાજિત એક ફૂટ જેટલા ઊંડા ખાડા પડી ગયા હોય વાહન ચાલકોએ હાલાકી ભોગવવી પડે છે. આ બાબતે હાઇવેના નામે ટોલ ફી વસૂલ કરતી સોમા કંપની ખાડા પુરાવે એવી માંગ ઉભી થઇ છે.

હાઇવે થઇ વ્યારા તરફથી સોનગઢમાં પ્રવેશ કરતી વેળા આવતાં ઇસ્લામપુરા ટેકરા વિસ્તારમાં સર્વિસ રોડ પર ગતિરોધક બમ્પની આસપાસ ઊંડા ખાડા પડી ગયા છે.એ સાથે જ સર્વિસ રોડ પર સ્ટેશન તરફ જતાં ચાર રસ્તા પર સર્વિસ રોડ પર મસમોટા ઊંડા ખાડા પડી વાહન ચાલકો માટે માથાના દુઃખાવા સામાન બની ગયાં છે. ઓટા ચાર રસ્તા પાસેના સર્વિસ રોડ પર ગેરેજની સામે અંદાજિત એક ફૂટ ઊંડો અને પહોળો ખાડો અકસ્માતની રાહ જોઈ રહ્યો છે. આ ખાડાને કારણે વાહનચાલકો રોંગ સાઈડ હંકારવા મજબૂર બને છે. વરસાદ લગભગ પૂર્ણ થવા પર છે. તમામ સ્થળે હાઇવે પર પડેલાં ખાડા પુરવામાં આવી રહ્યા છે ત્યારે સોનગઢ નગર માંથી પસાર થતાં સર્વિસ રોડની ક્યારે મરામત કરાશે એવું લોકો પૂછી રહ્યા છે. સોનગઢના યુવા આગેવાન કમલેશ ભાઈ પટેલે કહ્યું કે હાઇવે વપરાશ માટે સોમા કંપની મોટી રકમ ટોલ ફી પેટે વસૂલ કરે છે ત્યારે સર્વિસ રોડ સહિતના નેશનલ હાઇવે પર ના ખાડા પુરવામાં તેઓ કેમ રસ દાખવતાં નથી. આ સંદર્ભે યુવા સંગઠનના લોકો હાઇવેના ખાડાના ફોટા પાડી હાઇવે ઓથોરિટીને ફરિયાદ મોકલનાર છે.

Related Articles

Back to top button