કામરેજ
કામરેજના કોસમાડા ગામમાં GPCB અને વન વિભાગની મંજૂરી વગરનો 12 લાખનો કોલસો જપ્ત

સુરતના કામરેજ તાલુકાના કોસમાડા ગામમાં પોલીસે એક મોટી કાર્યવાહી કરી છે. કામરેજ પોલીસે શ્રી સાંઈ કોલ ડેપો પર દરોડા પાડ્યા હતા, જ્યાં ગેરકાયદેસર રીતે કોલસાનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે.
બ્લોક નંબર 41 વાળી ખુલ્લી જગ્યામાં ચાલતા આ કોલસા ડેપોમાંથી રમેશ તલસીભાઈ ચૌહાણ અને ઘનશ્યામ કેસુભાઈ રામાણી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) અને વન વિભાગની કોઈપણ પ્રકારની મંજૂરી વગર લાકડાના કોલસાનું વેચાણ કરી રહ્યા હતા.
દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી મોટી માત્રામાં લાકડાનો કોલસો અને કોલસાનો વેસ્ટેજ પાવડર મળી આવ્યો હતો, જેની કુલ કિંમત રૂપિયા 12,12,050 આંકવામાં આવી છે. આ કેસમાં અહેવાલ કોન્સ્ટેબલ ગણેશભાઇ સંપતભાઇ દ્વારા નોંધવામાં આવ્યો છે અને પોલીસ ઇન્સપેકટર એ.ડી.ચાવડાના માર્ગદર્શન હેઠળ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.




