ભરૂચના ઝઘડીયામાં નર્મદા નદીમાંથી થતી ગેરકાયદે રેતી ચોરી પર ભૂસ્તર વિભાગે મોટી કાર્યવાહી કરી

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં નર્મદા નદીમાંથી થતી ગેરકાયદે રેતી ચોરી પર ભૂસ્તર વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ભરૂચના ભૂસ્તરશાસ્ત્રીની સૂચના મુજબ, 22 જાન્યુઆરી 2025ની મધરાતે 12:30 વાગ્યે રાણીપુરા ગામ પાસે નર્મદા નદી વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ટીમને એક યાંત્રિક નાવડી અને એક ટાટા હિટાચી મશીન દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા ઝડપી પાડવામાં આવ્યા હતા. આ રેતી બે ટ્રક (GJ-05-BT-4752 અને GJ-05-AT-3201)માં ભરવામાં આવી રહી હતી. કુલ 60 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે. સર્વેયર દ્વારા GPS મશીનથી જપ્ત કરાયેલી રેતીના જથ્થાની માપણી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં 20 જાન્યુઆરીએ પણ મામલતદાર ઝઘડીયા અને ભૂસ્તર વિભાગની સંયુક્ત ટીમે ટોઠીદરા ગામ પાસે દરોડો પાડ્યો હતો. જેમાં એક હોન્ડાઈ મશીન અને બે યાંત્રિક નાવડીઓ સાથે 50 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. બંને કેસમાં નિયમ મુજબની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.




